News of Thursday, 7th November 2024
થાનમાં ડબલ મર્ડરઃ મૈત્રીકરારના ડખ્ખામાં વૃધ્ધ ઘુઘાભાઇ બજાણીયા અને પુત્ર ભાવેશને છરી-ધોકાથી રહેંસી નંખાયા
ભાવેશે જેની સાથે મૈત્રી કરારથી રહેતો હતો તે સંગીતાના પતિ દિેનશ શાપરા, ભાઇ દિનેશ સાબરીયા અને કાકાએ રાતે એક વાગ્યે વાડીમાં ઘુસી છાપરા બહાર સુતેલા ઘુઘાભાઇ પર ભર ઉંઘમાં ઘા કર્યા, પછી રૂમમાં ઘુસી ભાવેશને છરીઓ ઝીંકીઃ ભાવેશનું થાનમાં અને તેના પિતા ઘુઘાભાઇનુ઼ રાજકોટમાં મોતઃ ભાવેશના માતાને રાજકોટ સારવાર માટે ખસેડાયાઃ સંગીતાને પણ ઢસડીને માર મારવામાં આર્વ્યો : રમેશભાઇ કોળીની વાડી વાવી સાતેક વર્ષથી ત્યાં જ રહેતાં મુળ જુનાગઢ ગઢવાળાના ઘુઘાભાઇ (ઉ.વ.૬૦)ના દિકરા ભાવેશ (ઉ.વ.૨૭)ને બાજુના વરમાતર ગામની સંગીતા સાથે સાતેક વર્ષથી પ્રેમ હતોઃ નવેક મહિના પહેલા સંગીતાને તેના પરિવારે મનડાસરના દિનેશ શાપરા સાથે પરણાવી દીધી હતીઃ પણ થોડા દિવસોમાં જ ભાવેશ તેને ભગાડી લાવ્યો હતોઃ પાંચેક માસથી મૈત્રી કરાર કરીને રહેતાં હતાં: તેનો ખાર રાખી હત્યા

બબ્બે લોથ ઢળી: થાનગઢમાં પ્રેમપ્રકરણ મૈત્રીકરારના મનદુઃખમાં પિતા-પુત્રની હત્યા થઇ હતી. તસ્વીરમાં હત્યાનો ભોગ બનેલા ઘુઘાભાઇ દાનાભાઇ બજાણીયાનો મૃતદેહ, ઘટના સ્થળ, નીચેની તસ્વીરમાં તેના પુત્ર ભાવેશ બજાણીયાનો મૃતદેહ, ફાઇલ ફોટો અને છેલ્લે વિગતો જણાવતાં મૃતક ભાવેશના મોટા ભાઇ વિજયભાઇ તથા માતા મંજુલાબેન જોઇ શકાય છે
રાજકોટ તા. ૬: પ્રેમ પ્રકરણના ડખ્ખામાં વધુ એક વખત હત્યાની ઘટના બની છે. જેમાં થાનગઢમાં ડબલ મર્ડર થયા છે. સાતેક વર્ષથી થાનમાં ભાગીયામાં વાડી વાવી ત્યાં જ રહેતાં મુળ જુનાગઢના ગઢવાળા ગામના ઘુઘાભાઇ દાનાભાઇ બજાણીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ તથા તેના પુત્ર ભાવેશ ઘુઘાભાઇ બજાણીયા (ઉ.વ.૨૭)ને રાતે છરી-ધોકાના ઘા ઝીંકી ક્રુરતાથી રહેંસી નંખાયા છે. ભાવેશને થાન બાજુના વરમાતર ગામની સંગીતા સાથે સાતેક વર્ષથી પ્રેમ હતો, પણ સંગીતાના આજથી નવેક મહિના પહેલા બાજુના મનડાસરના દિનેશ શાપરા સાથે લગ્ન કરી દેવાયા હતાં. જો કે ભાવેશ સાથેનો તેનો પ્રેમ ખતમ થયો નહોતો. આથી લગ્નના થોડા જ સમય બાદ ભાવેશ તેણીને ભગાડી લાવ્યો હતો. એ પછી પાંચેક માસથી બંને મૈત્રીકરાર કરી થાન પતિ-પત્નિની જેમ રહેતાં હતાં. આ વાતનો ખાર રાખી સંગીતાના પતિ, ભાઇ, કાકા સહિતે મધરાતે તૂટી પડી બબ્બે લોથ ઢાળી દીધી હતી.
ડબલ મર્ડરની આ ઘટના અંગેની જાણવા મળેલી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં રામાધણીની નેસ તરીકે ઓળખાતી રૂપાવટી રોડ પર આવેલી રમેશભાઇ કોળીની વાડી મુળ જુનાગઢના ગઢવાળા ગામના ઘુઘાભાઇ દાનાભાઇ બજાણીયા (ઉ.વ.૬૦)એ સાતેક વર્ષ પહેલા ભાગીયાથી વાવવા રાખી હોઇ તેઓ પોતાના પરિવાર સાથે અહિ જ રહેતાં હતાં. ગત રાતે ઘુઘાભાઇ અને તેમના પત્નિ મંજુલાબેન (ઉ.વ.૫૮) વાડીમાં આવેલા છાપરાની બહાર ખાટલા પર સુતા હતાં. જ્યારે તેનો દિકરો ભાવેશ (ઉ.વ.૨૭) અને ભાવેશે જેની સાથે મૈત્રી કરાર કર્યા હતાં તે સંગીતા (ઉ.વ.૨૫) અંદર રૂમમાં સુતા હતાં. ત્યારબાદ રાતે એકાદ વાગ્યે ઘુઘાભાઇ પર અચાનક છરી-ધોકાથી હુમલો થતાં તેમણે દેકારો મચાવી દેતાં બાજુમાં સુતેલા પત્નિ મંજુબેન જાગી જતાં તેના પર પણ ઘા થયા હતા.
આ હુમલો સંગીતાના પતિ મનડાસર ગામે રહેતાં દિનેશ શાપરા, સંગીતાના ભાઇ વરમાતર ગામે રહેતાં દિનેશ સાબરીયા અને કાકા જેશાભાઇએ કર્યો હતો. ઘુઘાભાઇને બચાવવા પત્નિ મંજુબેન વચ્ચે પડતાં તેમને પણ ઘાયલ કરાયા હતાં. ઘુઘભાઇને માથામાં છરીનો ઘા લાગી જતાં તેઓ લોહીલુહાણ થઇ ઢળી પડયા હતા.
ત્યારબાદ હુમલાખોરો છાપરાના રૂમમાં ઘુસી ગયા હતાં. ત્યાં ભાવેશ અને સંગીતા સુતા હોઇ ભાવેશને ખચાખચ છરીના ઘા ઝીંકી દીધા હતાં. સંગીતા ભાગવા જતાં તેને પણ ઢસડીને મારકુટ કરવામાં આવી હતી. ભારે દેકારો મચી જતાં આસપાસની વાડીમાંથી લોકો દોડી આવતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. બનાવની જાણ થતાં થાન પોલીસનો કાફલો પહોંચ્યો હતો. ઘાયલ પિતા-પુત્રને થાન હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ ભાવેશનો મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.
જ્યારે ઘુઘાભાઇને વધુ ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમના પત્નિ મંજુબેનને પણ અહિ દાખલ કરાયા હતાં. જો કે વહેલી સવારે ઘુઘાભાઇએ દમ તોડી દેતાં ઘટના ડબલ મર્ડરમાં પરિણમી હતી.
હત્યાનો ભોગ બનેલા ઘુઘાભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા નંબરે હતાં. તેમને સંતાનમાં ત્રણ પુત્રો વિજયભાઇ, રાજેશભાઇ અને ભાવેશ હતાં. જે પૈકી ભાવેશની પણ તેમની સાથે હત્યા થઇ ગઇ છે. વિજયભાઇ ઘુઘાભાઇ બજાણીયાએ વિગતો આપતા કહ્યું હતું કે-મારા ભાઇ ભાવેશને સાતેક વર્ષથી થાનની બાજુના વરમાતર ગામના દિનેશ સાબરીયાની બહેન સંગીતા સાથે પ્રેમ હતો. જો કે આ પ્રેમ સંબંધ સંગીતાના પરિવારને મંજુર નહોતો. દરમિયાન ગયા ફેબ્રુઆરી મહિનામાં સંગીતાને તેના પરિવારે બાજુના મનડાસરના દિનેશ શાપરા સાથે પરણાવી દીધી હતી. જો કે આમ છતાં સંગીતા અને ભાવેશનો પ્રેમ ચાલુ રહ્યો હતો. સંગીતાએ પોતે સાસરે રહેવા ઇચ્છતી નથી તેવી જાણ કરતાં મારો ભાઇ ભાવેશ તેણીને પાંચેક મહિના પહેલા ભગાડી લાવ્યો હતો અને મૈત્રી કરાર કરી લીધા હતાં.
આ મામલે સંગીતાના પતિ, માવતરે પોલીસને જાણ કરતાં અમે બંનેને પોલીસ સમક્ષ હાજર કર્યા હતાં જ્યાં સમાધાન થઇ ગયું હતું. સંગીતાએ પોતે મારા ભાઇ ભાવેશ સાથે જ રહેવા ઇચ્છતી હોવાનું ત્યારે કહ્યું હતું અને ત્યારથી તે પત્નિની જેમ મારા ભાઇ સાથે જ થાનમાં રહેતી હતી. જો કે આ કારણે સંગીતાના ભાઇ, પતિ સહિતના ખુબ રોષે ભરાયા હતાં અને તેના કારણે મનદુઃખ ઉભુ હતું. આ બાબતનો ખાર રાખી ગત રાતે એકાદ વાગ્યે સંગીતાના પતિ, ભાઇ અને કાકાએ વાડીમાં ઘુસી પહેલા મારા પિતા ઘુઘાભાઇ જે બહાર સુતા હતાં તેમના પર હુમલો કર્યો હતો અને બાદમાં રૂમમાં ઘુસી મારા નાના ભાઇ ભાવેશને છરીના ઘા ઝીંકી દીધા હતાં. થાન પોલીસે ડબલ મર્ડરની હત્યા બાદ ભાગી ગયેલા આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
