News of Thursday, 7th November 2024
પૂ. જલારામબાપાની જન્મજયંતિ ઉજવવા હજારો પદયાત્રિકોનું વિરપુર (જલારામ)માં આગમન
કાલે સવારે ગાદીપતિ પૂ. રઘુરામબાપા તથા પરિવારજનો દ્વારા પૂ. જલારામબાપાની સમાધીનું પૂજન-અર્ચન કરાશે

(કિશન મોરબીયા દ્વારા) મોરબી તા. ૭ :.. ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આવતી કાલે સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવાશે, પૂજ્ય બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડે છે,
પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂરદૂર થી વાહનો મારફત તેમજ સાયકલો લઈને તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા ૧૪ વર્ષથી અવિરતપણે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકો તેમજ સાયકલ યાત્રા સંઘ આજે આવી પહોંચ્યો હતો,સુરતના ગભેણી તેમજ ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર બેસીને જલારામ બાપાની ધૂન બોલીને પૂજ્ય બાપાના દર્શન કરી જલારામ બાપાને ખાસ પ્રાર્થના કરી હતી,આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે ૫૦૦ થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા તેમજ સાયકલ યાત્રિકો સંઘ લઈને દિવાળી પહેલા સુરત ઉન ગામ અને ગભેણીથી નીકળ્યા હતા.બાપામાં અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ ધરાવતા આ પદયાત્રીઓએ જલારામ બાપાની જય તેમજ જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા.
વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ ઘેર ઘેર રંગોળીઓ તેમજ મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય જલારામ બાપાની જીવન ઝાંખી દર્શાવતા વિવિધ ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા ભાવિકો માટે મફત ઠંડા પીણાં,શરબત,છાશ તેમજ ચા નાસ્તા સહીતના સ્ટોલો ઠેરઠેર કરવામાં આવ્યા છે, પૂજ્ય જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતીએ વહેલી સવારે જલાબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની સમાધિનું પૂજન કરશે ત્યાર બાદ શ્રી જલારામ બાપાની આરતી કરવામાં આવશે તેમજ સવારે નવ વાગ્યે મીનળવાવ ચોકથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં ૨૨૫ કિલો બુંદીના ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે જેની તૈયારીઓના ભાગરૂપે ૨૨૫ કિલો બુંદી ગાંઠિયાના પેકેટ તૈયાર કરી આખરી ઓપ અપાઈ રહ્યો છે,જ્યારે જુના બસ સ્ટેન્ડ ચોક ખાતે યુવાનો દ્વારા ૨૨૫ કિલોની કેક બનાવી ભાવિકોને વિતરણ કરાશે અને પૂજ્ય જલાબાપાની મહા આરતી કરાશે.
પૂજ્ય બાપાની ૨૨૫મી જયંતિ ને લઈને વીરપુરવાસીઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો દેશ વિદેશ માંથી આવતા લાખો ભક્તો પૂજ્ય જલારામ બાપાને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવશે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
