<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

નવા વર્ષના પ્રારંભે જ હળવદ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની રેકોર્ડબ્રેક આવક

કપાસનો ભાવ ૧૩૦૦ થી ૧૫૧૬ સુધી, જ્‍યારે મગફળીનો ૮૭૫ થી ૧૧૯૫ રૂપિયા સુધી રહ્યો

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૭ : દિવાળીની રજાઓ બાદ નવા વર્ષમાં  લાભ પાંચમથી હળવદ માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું છે.નવા વર્ષના પ્રારંભે જ હળવદ યાર્ડમાં કપાસ અને મગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે.તેની સાથે સાથે વરીયાળી, એરંડા, ઘઉં, તલ, ધાણા, ચણા, અડદ, ગવાર સહિતની જણસીઓની પણ આવક નોંધાઈ છે.

યાર્ડમાં કપાસ વેચવા આવેલ ખેડૂતે જણાવ્‍યું હતું કે વરસાદના કારણે ઉત્‍પાદનમાં ઘટાડો થયો છે જેથી કપાસનો ભાવ ૨૦૦૦ સુધીનો હોય તો ખેડૂતોને પોસાય તેમ છે.

યાર્ડમાં મગફળી વેચવા આવેલ ખેડૂતે જણાવ્‍યું હતું કે અમારી મગફળીના ૧૧૯૫ રૂપિયા ભાવ થયો.જોકે ૧૩૦૦ થી ૧૩૫૦ રૂપિયા સુધીનો મગફળીનો ભાવ રહે તો ખેડૂતોને ફાયદો થશે.

યાર્ડના વેપારી લાલાભાઇ પટેલે જણાવ્‍યું હતું કે જૂના વર્ષ કરતાં નવા વર્ષમાં કપાસના ભાવમાં થોડો વધારો છે જોકે કપાસની કોલેટીમાં પણ સુધારો છે જેથી ૧૫૦૦ રૂપિયા સુધીનો બજાર ભાવ બોલાય છે આવો જ ભાવ રહેતો ખેડૂતોને પણ પોસાય.

યાર્ડના વેપારી અશ્વિનભાઈએ જણાવ્‍યું હતું કે નવા અને જૂના વર્ષમાં મગફળીના ભાવને લઈને કાંઈ ફેરફાર નથી ઉપર બજાર પણ આવું ચાલતું હોય જોકે આવનાર દિવસોમાં મગફળીનું બજાર સુધરે તેવી આશા છે.

(1:14 PM IST)