<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

કચ્છના ચિત્રોડ ગામે તસ્કરોનો તરખાટ: એક રાતમાં ૮ મંદિરોમાં ચોરી

લાભ પાંચમ વચ્ચે તસ્કરોના સમૂહ આક્રમણથી લોકોમાં આક્રોશ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : લાભ પાંચમ વચ્ચે તસ્કરો એ કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામે એક જ રાત્રિમાં એક સામટા આઠ જેટલા દેવ મંદિરોને નિશાચરોએ અભડાવી સામુહિક તસ્કરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે. લાભ પંચમના બીજા દિવસે આજે છઠ્ઠ ના દિવસે સામુહિક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે. 

  બનાવમાં ચાંદીના છત્ર, માતાજીની મૂર્તિઓ ઉપર ભાવિકોએ ચડાવેલા વિવિધ ઘરેનાઓ અને દાન પેટીની રકમ તસ્કરો ઉઠાવી ગયા છે. આ અંગે ગાગોદર પોલીસની ટીમ સાથે ઇન્ચાર્જ ગાગોદર પીઆઇ વાળા ઘટનાસ્થળે દોડી ગયા છે અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. કુલ કેટલી રકમની ચોરી થઈ છે તે વિધિવત ફરિયાદ દાખલ થયા બાદ જાહેર થશે.

આ અંગે ગાગોદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ચિત્રોડ ગામે ગત રાતથી આજ સવાર સુધીના અરસામાં સત થી આઠ જેટલા અલગ અલગ દેવ મંદિરોમાં ચીરીની ઘટના અંગે જાણ મળી છે. આ અંગે સ્થાનિક ગાગોદર પોલીસ સાથે ગાગોદર ઈન્ચાર્જ અને આડેસર પીઆઇ વાળા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ચિત્રોડ જેઠાસરી સહિત કુલ ૮ દેવ મંદિરો ચોરીનો ભોગ બન્યા છે , તેમાં આઈ દેવ માં નું મંદિર, જેઠા શ્રી ગોગા મહારાજ, મોમાય માતાજી મંદિર, વાળુંદ સમાજનું મંદિર, પ્રજાપતિ સમાજનું મંદિર, પટ્ટણી સમાજનું મંદિર, રાજપૂત સમાજનું મંદિર અને કોલી સમાજના મંદિરનો સમાવેશ થાય છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)

(9:47 PM IST)