<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

કચ્‍છના ચિત્રોડ ગામે તસ્‍કરોનો તરખાટઃ એક રાતમાં ૮ મંદિરોમાં ચોરી

લાભ પાંચમના બીજા દિવસે તસ્‍કરોના સમુહ આક્રમણથી લોકોમાં આક્રોશઃ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮: લાભ પાંચમના બીજા દિવસે તસ્‍કરો એ કચ્‍છના રાપર તાલુકાના ચિત્રોડ ગામે એક જ રાત્રિમાં એક સામટા આઠ જેટલા દેવ મંદિરોને નિશાચરોએ અભડાવી સામુહિક તસ્‍કરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકયો છે. લાભ પંચમના બીજા દિવસે આજે છઠ્ઠના દિવસે સામુહિક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે. બનાવમાં ચાંદીના છત્ર, માતાજીની મૂર્તિઓ ઉપર ભાવિકોએ ચડાવેલા વિવિધ ઘરેનાઓ અને દાન પેટીની રકમ તસ્‍કરો ઉઠાવી ગયા છે. આ અંગે ગાગોદર પોલીસની ટીમ સાથે ઇન્‍ચાર્જ ગાગોદર પીઆઇ વાળા ઘટનાસ્‍થળે દોડી ગયા છે અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. કુલ કેટલી રકમની ચોરી થઈ છે તે વિધિવત ફરિયાદ દાખલ થયા બાદ જાહેર થશે.

આ અંગે ગાગોદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ચિત્રોડ ગામે ગત રાતથી આજ સવાર સુધીના અરસામાં સત થી આઠ જેટલા અલગ અલગ દેવ મંદિરોમાં ચોરીની ઘટના અંગે જાણ મળી છે. આ અંગે સ્‍થાનિક ગાગોદર પોલીસ સાથે ગાગોદર ઈન્‍ચાર્જ અને આડેસર પીઆઇ વાળા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ચિત્રોડ જેઠાસરી સહિત કુલ ૮ દેવ મંદિરો ચોરીનો ભોગ બન્‍યા છે , તેમાં આઈ દેવમાંનું મંદિર, જેઠા શ્રી ગોગા મહારાજ, મોમાય માતાજી મંદિર, વાળંદ સમાજનું મંદિર, પ્રજાપતિ સમાજનું મંદિર, પટ્ટણી સમાજનું મંદિર, રાજપૂત સમાજનું મંદિર અને કોલી સમાજના મંદિરનો સમાવેશ થાય છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

(10:56 AM IST)