<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

સોમનાથ- ભાવનગર ફોર ટ્રેકમાં અધુરા કામો છતાં ૬૩ કી.મી.માં ૩-૩ ટોલનાકા કાર્યરત

સામાજીક આગેવાનો લાલઘુમઃ કોડીનાર ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા મુખ્‍યમંત્રીને રજુઆતઃ સ્‍થાનિકો અને ગીરમાં આવતા પ્રવાસીઓમાં નારાજગી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૮: ગીર સોમનાથ જીલ્લામાંથી પસાર થતાં સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ફોર ટ્રેક ના સોમનાથથી ઉના સુધીના હાઇવે ઉપર અનેક જગ્‍યાએ અધૂરા કામો હોવા છતાં તંત્ર દ્વારા ૬૩ કી.મી.ના અંતરમાં ત્રણ ત્રણ ટોલનાકા કાર્યરત કરી દેવાતા કોડીનાર ચેમ્‍બર ઓફ કોમર્સ અને કોડીનારના સામાજિક આગેવાનો દ્વારા આ અંગે વિરોધ કરી માર્ગ અને પરિવહન વિભાગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્‍યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્‍યા મુજબ સોમનાથથી ભાવનગર સુધીનો ફોર લેન હાઇવેનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હોય નિયત સમય કરતાં ત્રણ ગણો સમય વિતી જવા છતાં આજે પણ અનેક ફલાયઓવરો, બાયપાસો,સર્વિસ રોડ,સિકયોરિટી દીવાલો,હાઇવે ર્હોડિંગો જેવા અનેક કામો અધૂરા હોવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા નિયમ વિરૂધ્‍ધ ૬૩ કી.મી.ના હાઇવે ઉપર ત્રણ ત્રણ ટોલ નાકાડારી, સુંદરપરા અને વેળવા ટોલ બુથ ઊભા કરી કાર્યરત કરી ભારે ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દીધું હોય ૬૦ કી.મી.માં એક ટોલ ના નિયમ મુજબ એક ટોલ બુથ કરવા અને બાકીના ટોલ બુથને સત્‍વરે બંધ કરવા તેમજ જિલ્લાના વાહન ચાલકોને ૫૦ ટકા ટોલપાસની સુવિધા અને ટોલ બુથના આજુબાજુના ગામોના વાહન ચાલકોને ફ્રી પાસ આપવા માંગણી કરવામાં આવી છે.

 વર્તમાન સમયમાં ગીરમાં શરૂ થયેલા ટોલ સંદર્ભે લોકો કહી રહ્યા છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી સરકારનું પણ માનતી ન હોય તેવું લાગી રહ્યું છે. અને મનસ્‍વી રીતે ટોલ ઉઘરાવાઈ રહ્યો છે જેને કારણે સ્‍થાનિકોમાં અને પ્રવાસીઓમાં રોષ વ્‍યાપ્‍યો છે. તો સોમનાથથી દિવ જતા કે ભાવનગરથી દ્વારકા જતા પ્રવાસીઓને ખૂબ ટૂંકા અંતરે આવેલા ગીરનાં આ ત્રણેય ટોલનાકે અઢળક ટોલ ભરવો પડે છે.જેની સામે રોડ તો હજુ અધુરો છે. સુવિધાના નામે મીંડું છે. આમ છતાં જે ટોલ ઉઘરાવાઈ રહ્યો છે તે ન્‍યાયિક બાબત નહીં હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં માત્ર ૬૩ કિલોમીટરમાં ત્રણ ટોલનાકા શરૂ કરી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે તે ગેરકાયદે હોવાનું સ્‍થાનિકો જણાવી રહ્યા છે. ટોલબુથથી માત્ર ૨૦૦ મીટરના અંતરે રહેતા ગામના લોકોને પણ ટોલ ભરવો પડે અને તે પણ એક દિવસમાં ત્રણથી ચાર વખત તો સ્‍વાભાવિક છે આકરૂ તો લાગે. જિલ્લા મથકે પોતાના કામ સંદર્ભે વિવિધ કચેરીઓમાં જવાનું થાય ત્‍યારે એક દિવસમાં ઘણી વખત ગ્રામ્‍ય પ્રજાએ જવું પડતું હોય છે.ઘરની ગાડી હોય તેનો મતલબ એ તો નથી કે એકજ દિવસમાં વારંવાર ટોલ ભરવો...! સ્‍થાનિકો માટે માસિક પાસની વ્‍યવસ્‍થા પણ હજુ અહીંના ટોલનાકાઓ પર શરૂ કરી નથી. રોડ અધૂરા છે. અનેક ડાઈવર્ઝન પણ હજુ છે.  જે ઝડપે ટોલનાકા ઉભા કરવામાં આવ્‍યા તે ઝડપ હાઈવે ઓથોરિટી રોડ બનાવવામાં કેમ નથી દર્શાવતી...? તે યક્ષ પ્રશ્ન બન્‍યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ‘આ સંદર્ભે હવે સરકારે જાગળત થવું રહ્યું અન્‍યથા હાઇવે ઓથોરિટીના કર્મનું ફળ સરકારે ભોગવવું પડશે...!.

(2:10 PM IST)