<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જલારામ બાપાની 225મી જન્મ જયંતીની વીરપુરમાં દિવ્ય ઉજવણી:બાપાના દર્શનાર્થે દેશ-વિદેશથી ભાવિકો ઉમટ્યા

સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર: વેપારીઓ દ્વારા દુકાનો હોટેલો તેમજ વીરપુરવાસીઓએ ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દીવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમાં જલારામબાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામાં આવી

 

જલારામબાપાની 225મી જન્મ જયંતિ નિમિતે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા દુકાનો હોટેલો તેમજ વીરપુરવાસીઓએ ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દીવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમાં જલારામબાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામાં આવી હતી.

વહેલી સવારે પૂજય બાપાના પરીવારજનો દ્વારા બાપાની સમાધીએ પૂજા અર્થના કર્યા બાદ નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકતા જન્મ જયતિ નીમીતે આરતીનો લાભ લેવા ભાવિકોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડયું હતું. ત્યાર બાદ પૂજય બાપાની 225મી જન્મ જયંતી હોય સેવાભાવી યુવાનો દ્વારા 225 કિલોની ગુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભવિકોને પ્રસાદરૂપે વિતરણ કર્યા હતા.

જલારામબાપાની જન્મ જયંતિ હોય જલારામ ગ્રૂપ દ્વારા કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પૂજય બાપાના જીવનને ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા સમગ્ર ગામના રાજમાર્ગ પર ફરી હતી. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામબાપાનું વીરપુર ધામ તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેંટ પૂજા સ્વીકાર્યા વગર વર્ષોથી સદાવ્રત ચાલુ છે.

આજે પૂજય બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રધ્ધાળુંઓએ પ્રસાદ લીધો હતો. અને હજુ બાપાના ભક્તોનો પ્રવાહ અવિરત પણે હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે. ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડો સંત પૂજય જલારામબાપાની જન્મ જયંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

(12:19 PM IST)