News of Friday, 8th November 2024
થાનમાં પતિ, પુત્ર સાથે હુમલામાં ઘાયલ મંજુલાબેને પણ દમ તોડી દીધોઃ ઘટના ટ્રીપલ મર્ડરમાં પરિણમી
ભાવેશ બજાણીયાએ સંગીતા સાથે મૈત્રી કરાર કર્યા હોઇ ખાર રાખી સંગીતાના પતિ, ભાઇ સહિતે હુમલો કરતાં ભાવેશ અને તેના પિતા ઘુઘાભાઇની હત્યા કરી હતીઃ વચ્ચે પડતાં ઘવાયેલા ભાવેશના માતાનું રાજકોટમાં મૃત્યુ થયું

રાજકોટ તા. ૮: થાનગઢમાંરૂપાવટી રોડ પર રામાધણી નેસ પાસે આવેલી રમેશભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં ભાવેશ ઘુઘાભાઇ બજાણીયા (ઉ.વ.૨૭), તેના પિતા ઘુઘાભાઇ દાનાભાઇ બજાણીયા (ઉ.વ.૬૦) પર હીચકારો હુમલો કરી બંનેને મોતને ઘાટ ઉતારાયા હતાં. પતિ-દિકરાને બચાવવા વચ્ચે પડેલા મંજુલાબેન ઘુઘાભાઇ બજાણીયા (ઉ.વ.૫૫)ને પણ પેટમાં છરી ભોંકી દેવાઇ હોઇ તેમને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આજે તેમણે પણ દમ તોડી દેતાં આ ઘટના ટ્રીપલ મર્ડરમાં પરિણમતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
વિગત એવી છે કે થાન રહેતાં ભાવેશ બજાણીયાને બાજુના વરમાતર ગામની સંગીતા સાથે પ્રેમસંબંધ હતો. પણ સંગીતાના થોડા મહિના પહેલા મનડાસરના દિનેશ શાપરા સાથે લગ્ન કરી દેવાયા હતાં. એ પછી આજથી પાંચેક મહિના પહેલા ભાવેશ સંગીતાને ભગાડી લાવ્યો હતો અને મૈત્રી કરાર કરી લીધા હતાં. ત્યારથી બંને પતિ-પત્નિ તરીકે રહેતાં હતાં. આ બાબતનો ખાર રાખી સંગીતાના પતિ દિનેશ શાપરા, તેના ભાઇ દિનેશ સાબરીયા સહિતનાએ પરમ દિવસે મોડી રાતે વાડીમાં ઘુસી છરી, ધોકાથી હુમલો કરતાં ભાવેશ અને પિતા ઘુઘાભાઇ બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ વખતે વચ્ચે પડેલા ભાવેશના માતા મંજુલાબેન ઘુઘાભાઇ બજાણીયા (ઉ.વ.૫૫)ને પણ છરી ભોંકી દેવાઇ હતી. ત્રણેયને થાન હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ભાવેશને મૃત જાહેર કરાયો હતો. ઘુઘાભાઇ અને પત્નિ મંજુલાબેનને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ઘુઘાભાઇએ દમ તોડી દેતાં બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો હતો. દરમિયાન આજે સારવારમાં રહેલા મંજુલાબેનનું પણ મોત થતાં બનાવ ટ્રીપલ મર્ડરમાં પલ્ટાઇ ગયો છે. આ બનાવથી પરિવારજનો અને થાન પંથકમાં કલ્પાંત સર્જાયો હતો. હત્યારાઓને ઝડપી લેવા પોલીસની ટીમો કામે લાગી છે. એક જ પરિવારના ત્રણ ત્રણ લોકોની હત્યાથી ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઇ છે. વિજય અને રાજેશ બજાણીયાએ માતા, પિતા અને ભાઇ ગુમાવી દેતાં તેઓ શોકમાં ગરક થઇ ગયા છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
