<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

પોલીસની બીક બતાવી જૂનાગઢના યુવાન સાથે ૨.૧૨ લાખની છેતરપિંડી

વડોદરાથી કાર ભાડે જુનાગઢ આવતી વખતે પોલીસ સાથે થયેલી માથાકૂટનો લાભ લઇ કાર ચાલકે પૈસા પડાવ્‍યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૯ : જૂનાગઢમાં ગાંધીગ્રામમાં આવેલ આમ્રપાલી એપાર્ટમેન્‍ટમાં રહેતો અને વડોદરા ખાતે કોમ્‍પ્‍યુટર સાયન્‍સનો અભ્‍યાસ કરતો ૨૦ વર્ષીય હેત કિરીટભાઈ દવેને ગત તા. ૧૬ ઓક્‍ટોબર ૨૦૨૩ના રોજ તેના માતાની તબિયત નાદૂરસ્‍ત હોવાની જાણ થતા જુનાગઢ આવવા માટે વડોદરાથી જીજે ૦૩ ડીએન ૫૮૦૬ નંબરની કાર રૂપિયા ૪,૦૦૦થી ભાડે કરી હતી. રસ્‍તામાં કારના ડ્રાઇવર સાથે વાતચીતમાં તેનું નામ પ્રિયાંક નીતિનભાઈ જોશી રહે. ઉપલેટા હોવાનું જાણવા મળ્‍યું હતું.

વાસદ બ્રિજ નીચેથી કાર પસાર થતી હતી તે દરમિયાન પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. યુવકની કાર પણ ચેક કરવામાં આવતા કાર પ્રાઇવેટ પાસિંગ હોય જેથી ચાલક પ્રિયાંક જોશીને પોલીસ સાથે દંડની રકમ અંગે બોલાચાલી થઈ હતી. બાદમાં ત્‍યાંથી જુનાગઢ આવવા નીકળેલ રાત્રિના ઘરે પહોંચતા યુવાને ભાડાના રૂપિયા ૪૦૦૦ પ્રિયાંક જોશીને ગૂગલ પે કરી આપ્‍યા હતા.

આ પછી સાત દિવસ બાદ યુવકને પ્રિયાંક જોશીએ ફોન કરી પોલીસે મારી ગાડી જપ્ત કરી લીધી છે અને તેમને ૮૦૦૦ રૂપિયા દેવાના છે મારી પાસે ૫૦૦૦ છે તમે રૂપિયા ૩૦૦૦ આપો હું એક બે દિવસમાં પરત કરી દઈશ તેમ કહેતા તેના વિશ્વાસમાં આવીને વિદ્યાર્થીએ ૩,૦૦૦ ટ્રાન્‍સફર કર્યા હતા.

બાદમાં ચાર દિવસ પછી ફરી પ્રિયાંકે ફોન કરી જણાવેલ કે પોલીસને રૂપિયા દેવા ગયો ત્‍યારે માર મારેલ અને લોકઅપમાં રાખી દીધો હતો અને હાલ જમીન પર છૂટેલ છું હજુ વધુ રૂપિયા માંગે છે અને તમને પણ પકડવા માંગે છે તેમ કહેતા યુવાનને ડર લાગ્‍યો હતો.

આમ કાર ચાલકે અલગ અલગ બહાને તા. ૧૦ મે ૨૦૨૪ સુધીમાં રૂપિયા ૨,૧૨,૨૫૦ મેળવી પરત નહીં કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ યુવાને શુક્રવારે નોંધાવતા જુનાગઢ સી ડિવિઝનના પીએસઆઇ એચ. બી. ચૌહાણે તપાસ હાથ ધરી હતી. (ર૬.૬)

 

(10:57 AM IST)