<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

જામનગરના હરીપર મેવાસામાં ફટાકડા ફોડવા મુદ્દે ફાયરિંગ : બાળક સહિત પાંચને ઇજા

હુમલો કરનાર આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા તજવીજ : ફાયરીંગની ઘટનાથી નાના એવા ગામમાં ચિંતા પ્રસરી ગઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯: જામનગર જિલ્લાના હરીપર મેવાસા ગામે ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ કરવામાં આવતા પાંચ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા પર ગામના ૪ શખ્સ દ્વારા એક પરિવાર પર ફાયરિંગ કરવામા આવ્યું છે.આ બનાવમાં બાળક સહિત હાલાણી પરિવારના ૫ લોકો ઈજાગ્રસ્ત થતા હાલાણી પરિવારના ઘાયલોને સારવાર માટે જીજી હોસ્પિટલ લવાયા છે.

બનાવ બાદ કાલાવડ પોલીસ હરીપર મેવાસા ગામે પહોંચી હતી. પોલીસ દ્વારા હુમલાખોર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફિરોજભાઈ કાસમભાઈ હાલાણી, ઉ.વ.૪પ, રે. હરીપર (મેવાસા)ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૧૧–ર૦ર૪ના હરીપર (મેવાસા) ગામે ફરીયાદી ફિરોજભાઈના ઘરના દરવાજા પાસે આરોપી યુનુસભાઈ તૈયબભાઈ હાલેપૌત્રા વાળાને શેરીમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી ઝઘડો થતા આરોપી યુનુસભાઈએ મારી નાખવાના ઈરાદે પોતાની પાસે રહેલ ડબલ બેરલ વાળી બંધુક દ્વારા  ફાયરીંગ કરી સાહેદોને ઈજાઓ પહોંચાડી તેમજ આરોપી આસીફભાઈ તૈયબભાઈ હાલેપૌત્રા એ છરી વડે સાહેદ સાથે બોલાચાલી તથા ઝપાઝપી કરી તથા આરોપી આમીનભાઈ યુનુસભાઈ હાલેપૌત્રા એ ફરીયાદી ફિરોજભાઈ તથા સાહેદો ઉપર છુટા પથ્થરોના ઘા કરી તથા  આરોપી મામદભાઈ નાથાભાઈ સમા એ કોઈ હથીયાર વડે ફાયરીંગ કરી તેમજ ચારેય આરોપીઓએ ફરીયાદી ફિરોજભાઈ તથા સાહેદોને જેમફાવે તેમ ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:54 PM IST)