<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

મંગળવારથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભઃ ભાવિકો ઉમટશે

તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાઃ ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને વીજળી, પાણી, આરોગ્ય, પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી નિર્દેશઃ પરિક્રમા દરમિયાન પણ સાફ-સફાઈનું તંત્ર દ્વારા આયોજનઃ પરિક્રમા રૂટ પર ૧૦૦૦ કચરા પેટી લગાવાશે

જૂનાગઢ તા. ૯ :..  જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટના નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા  અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમામાં ગુજરાત અને દેશભરમાંથી પધારતા ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પૂર્વ તૈયારીઓની વિગતો મેળવી હતી. આ સાથે શ્રદ્ધાળુઓને વીજળી, પાણી, આરોગ્ય, પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પણ ખાસ પ્રબંધ કરવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. આ માટે વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પરીક્રમાર્થીઓને બાયોડીગ્રેડેબલ કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવશે.

 ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પીવાના પાણીની પૂરતી સગવડતા મળી રહે તે માટે વધારાના પીવાના પાણીના પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા આવી રહ્યા છે. પરિક્રમાર્થીઓનું આરોગ્ય ન જોખમાય માટે તે ખાદ્ય સામગ્રીના નમુનાઓ લેવા માટે પણ સૂચના આપી હતી. સાથે જ દૂધ ગેસ સિલિન્ડર સહિતના પુરવઠો જળવાઈ રહે તે માટે પણ નિર્દેશ કર્યા હતા.

ભાવિકોની સુરક્ષા અને મદદ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. જંગલમાં આગના બનાવોને અટકાવવા માટે દવ ટૂકડીઓ કાર્યરત રહેશે. ઉપરાંત ફાયર ફાઈટરની સેવાઓ ઉપલબ્ધ રહેશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નાયક વન સરક્ષક  અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર  એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર અજય ઝાપડા સહિત પીજીવીસીએલ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:27 PM IST)