તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર અજવાળું કરવા 8 જગ્યાએ ડીઝલ જનરેટરના સેટ મૂકવામાં આવશે
ભવનાથ ક્ષેત્રમાં પણ સતત વીજ પૂરવઠો જાળવી રાખવા માટે રાઉન્ડ ધી ક્લોક એન્જિનિયર સાથે ટેકનિકલ કર્મચારીઓની ટીમ ફરજ બજાવશે.

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને વીજળી, પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.
ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પરિક્રમાના રૂટ પર અજવાળું રહે તે માટે 8 જગ્યાએ ડીઝલ જનરેટરના સેટ મૂકવામાં આવશે. આ માટેની કામગીરી PGVCL તંત્ર દ્વારા પૂર જોશમાં કરવામાં આવી રહી છે.
ગિરનાર પરિક્રમા રૂટ પર જંગલ વિસ્તારમાં પરિક્રમા ગેટથી પ્રથમ ઘોડી, ડંકી-2, મોળા પાણીના પુલ, ઝીણાબાવાની મઢી, માળવેલા તરફ, નળ પાણીના ટાવર, બોળદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા, આમ કુલ-8 જગ્યા પર ડીઝલ જનરેટર સેટ પ્રસ્થાપિત કરીને રાત્રિના સમયે રૂટ પર લાઈટ લગાવી અજવાળું કરવામાં આવશે. પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં જનરેટર સેટ તથા લાઈટ સતત ચાલુ રહે તે માટે પણ PGVCLના કર્મચારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે.
ભવનાથ ક્ષેત્રમાં પણ સતત વીજ પૂરવઠો જાળવી રાખવા માટે રાઉન્ડ ધી ક્લોક એન્જિનિયર સાથે ટેકનિકલ કર્મચારીઓની ટીમ ફરજ બજાવશે.
આકસ્મિક સંજોગોમાં હયાત ફીડરનો વીજ પૂરવઠો ખોરવાય તો તેમને અન્ય રોપ વે તથા અરવિંદ ફીડરમાંથી વીજ પૂરવઠો આપી શકાય તે માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં વીજ પૂરવઠો પૂરો પાડતા 11 KV અંબાજી ફીડરનું પણ જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
