<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

પોરબંદરમાં નિયમીત વેરા ઉઘરાવતી નગર પાલિકામાં અંધેર વહીવટઃ ગ્રાન્‍ટ મુજબના કામો થતા નથી

ચોમાસામાં તુટી ગયેલા રોડના રીપેરીંગ માટે કરોડો મંજુર છતાં ઠેરઠેર બીસ્‍માર રસ્‍તાઓઃ જાહેર બગીચાઓની સુધારણા અને બંધ ટાવરોની ઘડિયાલો ચાલુ કરાતી નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧: નિયમીત વેરા ઉઘરાવતી નગરપાલિકામાં અંધેર વહીવટ ચાલતો હોય તેમ મંજુર થયેલ ગ્રાન્‍ટો મુજબ શહેરમાં વિકાસ કામો થતાં નથી.

ચોમાસામાં તુટી ગયેલ રસ્‍તાઓની મરામત માટે નગરપાલિકામાં કરોડોની રકમ બજેટમાં મંજુર કરવામાં આવી છે પરંતુ શહેરમાં બીસ્‍માર રોડની હાલતમાં કોઇ સુધારો દેખાતો નથી.

જાહેર બગીચાઓની સુધારણાં કરવા તેમજ શહેરમાં મોટા ભાગની હાલ બંધ વોચ ટાવરોની ઘડિયાળો ચાલુ કરવા રકમની ફાળવણી કરાય છે પરંતુ જાહેર બગીચા જર્જરિત અને વોચ ટાવરોની ઘડિયાળો બંધ હાલતમાં છે નગરપાલિકાનો વહીવટ કથળતો જાય છે શહેરમાં વિકાસ કામો માટે નગરપાલિકામાં વિવિધ ગ્રાન્‍ટો મંજુર થાય છે તે મુજબ શહેરમાં કામ થતાં નથી.

નગરપાલિકામાં અંધેર વહીવટ અંગે ઉચ્‍ચ કક્ષાએ અનેક વખત રજુઆતો કરવામાં આવી છે છતાં આંખ આડા કાન કરાય છે. લોકોમાં ચર્ચા છે કે જવાબદારોમાં વિકાસ કામો કરવા માટે નિષ્‍ઠાનો અભાવ તેમજ નગર સેવકો ‘‘કવર''ની ભાષા સિવાય કશું સમજવા તૈયાર નથી.

શહેરમાં બંધ સ્‍ટ્રીટ લાઇટોનો પ્રશ્‍ન હવે કાયમી બન્‍યો છે. શહેરીજનોને રાત્રી બંધ સ્‍ટ્રીટ લાઇટોમાં અંધારામાં દરેક તહેવારો ઉજવવા પડે છે. અમુક ચોકકસ વિસ્‍તારો સિવાય નિયમિત સફાઇ થતી નથી. ઠેરઠેર ગંદકી વધતી જાય છે શહેરના પ્રશ્‍નોમાં વર્તમાન ધારાસભ્‍ય અર્જુનભાઇએ મૌન ધારણ ધરી લીધું છે.

(10:06 AM IST)