News of Monday, 11th November 2024
પીજીવીસીએલના કોન્ટ્રાકટરોનું એલાને જંગઃ સાંજથી બેમુદતી હડતાલ
વીજતંત્રે આપેલો ૧૧ ટકાનો ભાવ વધારો ફગાવી દેવાયોઃ એમજીવીસીએલ મુજબ ૩પ થી ૪૦ ટકા ભાવ વધારો આપવા માંગણી... : બપોર બાદ પ૦૦ કોન્ટ્રાકટરો કોર્પોરેટ ઓફીસે એકઠા થશેઃ સુત્રોચ્ચાર-દેખાવો સાથે એમડીને આવેદન પાઠવશે : જો યોગ્ય નિર્ણય નહીં તો સાંજે ૬ થી હડતાલપરિણામે ટીસી બદલવા-ઇમરજન્સી કામગીરી-લાઇટ ફોલ્ટ સહિતની કામગીરી અટકી જશે...

રાજકોટ તા. ૧૧: સૌરાષ્ટ્ર-કચ્છના પીજીવીસીએલના કોન્ટ્રાકટરોએ વિવિધ પ્રકારની કામગીરીના ભાવ વધારા અંગે આજથી એલાને જંગ શરૂ કરવાનું નકકી કર્યું છે, પ્રમુખશ્રી ગોપાલભાઇ મામા (મો. ૯૮૭૯૪ ૦૧ર૯૯) ના માર્ગદર્શન હેઠળ બપોરે ૪ વાગ્યે ૪૦૦ થી પ૦૦ જેટલા રજીસ્ટર્ડ કોન્ટ્રાકટરો-સુત્રોચ્ચાર દેખાવો સાથે કોર્પોરેટ ઓફીસ-નાનામવા મેઇન રોડ સામે એકઠા થઇ એમ.ડી.ને આવેદનપત્ર પાઠવી આંદોલનની જાહેરાત કરશે, અને સાંજે ૬ સુધીમાં નિવેડો નહીં આવે તો સાંજે ૬ વાગ્યાથી બેમુદતી હડતાલ પર ઉતરી જવાની જાહેરાત કરી છે.
ઉપરોકત બંને આગેવાનોએ ઉમેર્યું હતું કે, અમારા સંગઠન દ્વારા વર્ષ ર૦રર થી સતત લેખિત તથા મૌખિક રજુઆતો કરીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની અન્ય ત્રણ ડીસ્કોમમાં જે ભાવો આપવામાં આવે છે, તેમાં ખાસ કરીને એમ.જી.વી.સી.એલ.માં અમારા કરતા ૪૦ ટકા વધારે ભાવો હોઇ, તે મુજબનો ભાવ વધારો આપવા રજુઆતો કરી છે.
જણાવવાનું કે, ખુબ જ પ્રતિકુળ ભૌગોલિક વાતાવરણ તથા વારંવાર વાવાઝોડા તથા અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ સમયે રાત દિવસ જોયા વગર કર્મયોગીઓ સાથે મળીને પાવર રીસ્ટોરેશન સમય મર્યાદામાં સુચારૂ રીતે કરી આપનાર કોન્ટ્રાકટર મિત્રોને તેમની વ્યાજબફી રજુઆત છતાં ભાવ-વધારો કરી આપવામાં આવેલ ન હોઇ, સતત અમારા સંગઠનના સભ્યોમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહેલ છે.
રાજકોટ મુકામે મળેલ મીટીંગમાં તમામ સભ્યો દ્વારા એવી લાગણીને માંગણી રજુ કરેલ છે કે, જેમાં લાઇનકામ, વ્હીકલ હાયરીંગ, રીપ્લેસમેન્ટ ઓફ ફેઇલ ટી.સી., ફેબ્રીકેશન લોડીંગ અન લોડીંગ વિગેરે જાતની કામગીરી આજે તા. ૧૧/૧૧/ર૦ર૪ના સોમવાર સાંજે ૦૬-૦૦ વાગ્યા બાદ બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર જવાની ફરજ પડશે અને આ હડતાલથી જે કોઇ પરિસ્થિતિ નિર્માણ થશે. તેની સઘળી જવાબદારી મેનેજમેન્ટની રહેશે તેમજ જયાં સુધી ઉપર દર્શાવ્યા મુજબની તમામ માંગણીઓ પુર્ણ કરીને એમ.વી.સી.એલ.માં જે પ્રકારના ભાવો આપવામાં આવે છે, તે મુજબનો ભાવ-વધારો કરી આપવામાં નહિ આવે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે.
આગેવાનોએ જણાવેલ કે દિવાળી પૂર્વે તંત્ર દ્વારા સરેરાશ ૧૧ ટકાનો ભાવ વધારો મંજુર કરાયો પરંતુ તે ઘણો ઓછો છે, આથી અમે ફગાવી દીધો છે, મધ્ય ગુજરાત વીજ કંપનીના ભાવો સામે ૩પ ટકા ભાવો અમને ઓછા છે, આજે બપોર બાદ ૪૦૦ થી પ૦૦ કોન્ટ્રાકટરો ઉપટી પડશે અને જો માંગણી નહિ સ્વીકારાય તો સાંજથી બેમુદત હડતાલ પાડી, ટીસી રીપ્લેસમેન્ટ, લાઇનકામ, અન્ય ઇમરજન્સી કામગીરી બંધ કરી દેવાશે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
