<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

એક દિ' વહેલી ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભઃ શ્રધ્‍ધાળુઓ ઉમટયા

ભવનાથમાં સવારે ૭૦ હજાર પરિક્રમાર્થીઓનું આગમનઃ પાવનકારી પરિક્રમામાં પુણ્‍યનું ભાથુ બાંધવા શ્રધ્‍ધાળુઓનું અવિરત આગમન

એક દિ' વહેલી ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભઃ શ્રધ્‍ધાળુઓ ઉમટયા

તસ્‍વીરમાં ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકોનું આગમન તથા એસ. પી. હર્ષદ મહેતા સહિતનાએ માર્ગદર્શન આપ્‍યુ હતું તે નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) (પ-૧૩)

 (વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૧૧  : ભવનાથમાં ભીડ વધતા સવારે ૬ વાગ્‍યે પ્રવેશ દ્વાર ખોલવામાં આવતા ભાવિકોએ એક દિવસ વહેલી ગિરનાર પરિક્રમા શરૂ કરી જંગલના રસ્‍તે પ્રસ્‍થાન કર્યું હતું.

ભક્‍તિ ભોજન ભોજનના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની લીલી પરિક્રમા મંગળવારે અગિયારસની મધ્‍યરાત્રીએ વિધિવત શરૂ થનાર છે. પરંતુ ભાવિકોનો પ્રવાહ વધતા ભવનાથ તળેટીમાં આજે વહેલી સવારે પગ મુકવાની જગ્‍યા મળવી પણ મુશ્‍કેલ બની ગઈ હતી. ખાસ કરીને ગિરનાર જંગલના પ્રવેશ દ્વાર આસપાસ માનવ કીડિયારુ ઉભરાતા ભવનાથમાં રૂપાયતન રોડ પર આડશ લગાવી યાત્રિકોને ભવનાથ તળેટીમાં પરત કરવાની પોલીસે કવાયત કરવી પડી હતી.

પરંતુ આજે વહેલી પરિક્રમાના પ્રવેશ દ્વાર પાસે ભીડ વધતા વન વિભાગે સવારે છ વાગ્‍યે પ્રવેશ દ્વાર ખોલી નાખ્‍યો હતો જે સાથે જ યાત્રિકોએ જય ગિરનારીના જય ઘોષ સાથે પાવનકારી પરિક્રમાનો પ્રારંભ કરી ગિરનાર જંગલના રસ્‍તે પ્રસ્‍થાન કર્યું હતું. વન અધિકારી અરવિંદ ભાલીયાએ જણાવ્‍યું હતું કે, ભાવિકોની ભીડ વધતા વન વિભાગ દ્વારા સવારે છ વાગ્‍યે પરિક્રમા પ્રવેશ દ્વાર ખોલી ગિરનાર પરિક્રમા શરૂ કરાવવામાં આવી છે. પ્રારંભે ૭૦,૦૦૦ ભાવિકોએ ગિરનાર પરિક્રમા શરૂ કરી હતી.

બીજી તરફ મંગળવારે મધ્‍યરાત્રીએ વિધિવત શરૂ થતી અને આગોતરી ગિરનાર પરિક્રમા જોડાવા માટે સવારથી ભાવિકોનું અવિરત આગમન ભવનાથ તળેટી ખાતે થઈ રહ્યું છે. પરિક્રમા શરૂ થવાની સાથે જ ગિરનાર જંગલમાં અન્નક્ષેત્ર ધમધમતા થઈ ગયા છે. આ સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ રવિવારથી જ બંદોબસ્‍ત શરૂ કરી દેવામાં આવ્‍યો છે. તેમજ વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી તમામ વ્‍યવસ્‍થાઓ ગોઠવી દેવામાં આવી છે. (૨૫.૩)

જિલ્લા કલેકટર  અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને વીજળી, પાણી, આરોગ્‍ય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.

ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પરિક્રમાના રૂટ પર અજવાળું રહે તે માટે ૮ જગ્‍યાએ ડીઝલ જનરેટરના સેટ મૂકવામાં આવશે. આ માટેની કામગીરી પીજીવીસીએલ તંત્ર દ્વારા પૂર જોશમાં કરવામાં આવી રહી છે.

ગિરનાર પરિક્રમા રૂટ પર જંગલ વિસ્‍તારમાં પરિક્રમા ગેટથી પ્રથમ ઘોડી, ડંકી-૨,  મોળા પાણીના પુલ, ઝીણાબાવાની મઢી, માળવેલા તરફ, નળ પાણીના ટાવર, બોળદેવી ત્રણ રસ્‍તા, નળ પાણીની જગ્‍યા, આમ કુલ-૮ જગ્‍યા પર ડીઝલ જનરેટર સેટ પ્રસ્‍થાપિત કરીને રાત્રિના સમયે રૂટ પર લાઈટ લગાવી અજવાળું કરવામાં આવશે. પરિક્રમા દરમિયાન જંગલ વિસ્‍તારમાં જનરેટર સેટ તથા લાઈટ સતત ચાલુ રહે તે માટે પણ પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે.

 ૧૦ હંગામી દવાખાના ઉભા કરાશે

   જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા યાત્રાળુઓ માટે આયોજનપૂર્વક જરૂરી વ્‍યવસ્‍થાઓ ઉભી કરવામાં આવી રહી છે,  ખાસ કરીને ગિરનાર લીલી પરિક્રમાના ૩૬ કી.મી. લાંબા અને કઠિન ચઢાણ વાળા માર્ગને ધ્‍યાનમાં રાખીને ભાવિકોને જરૂરી આરોગ્‍ય સેવાઓ મળી રહે તે માટે ૧૦ જેટલા હંગામી દવાખાના ઓ શરૂ કરવામાં આવશે. આ સાથે યાત્રાળુઓની આરોગ્‍ય સુખાકારી માટે ૧૬ મેડિકલ - પેરા મેડિકલ ટીમ પણ સેવારત રહેશે. 

 ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રાળુઓનો ભારે ધસારો રહેતો હોવાથી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ સેવા સરળતાથી મળી રહે તે માટે ભવનાથ, ભેસાણ તાલુકાના માલીડા પાસે, ડેરવાણ વિસ્‍તાર અને બીલખા પાસેના રામનાથ વિસ્‍તારમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જરૂરી દવા અને સ્‍ટાફ સાથે તૈનાત રાખવામાં આવશે.

ભવનાથ અને બળદેવી વિસ્‍તારમાં પેરામેડિકલ સ્‍ટાફને ક્‍લોરીનેશન તેમજ સેનિટેશન ની કામગીરી કરવા માટે નિયુક્‍તિ કરવામાં આવી છે. આરોગ્‍ય વિભાગ જૂનાગઢ દ્વારા ૨૪×૭ કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્‍યો છે.

 ૨૩ દૂધ- છાસ વિતરણ કેન્‍દ્રો શરૂ કરાશે

  યાત્રિકોએ દૂધ-છાસનો MRPૅ પરિવહન દર પેટે વધારાના રૂ. ૨  વધારે ચૂકવવાના રહેશે. આમ, અભયારણ્‍ય વિસ્‍તારમાં યાત્રિકોએ નિયત કરાયેલા MRPૅ પરિવહન દર પેટેની જ દૂધ છાસની કિંમત ચૂકવવાની રહેશે. ઉપરાંત પરિક્રમા દરમિયાન એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર ઓઇલ માર્કેટિંગ કંપનીના નિયત બિલમાં દર્શાવેલ એમઆરપી મુજબ જ મળશે.

અમૂલ ડેરી દ્વારા બોરદેવીના બાવળઘાટ, બોરદેવીના પટમાં, ખોડીયાર રાસ મંડળની નજીક, બોરદેવી ત્રણ રસ્‍તા, નાગદેવતાના સ્‍થાનક પાસે, નળ પાણીની જગ્‍યા, ઝીણા બાવાની મઢી વિસ્‍તારમાં કાળકાના વડલા નીચે, મઢી વોચ ટાવરથી જીણાબાવાની મઢીના રસ્‍તા તરફ (સંભવિત) અને સંભવિત રીતે સરકડીયા હનુમાન મંદિર પાસે અને હથેળી પોઇન્‍ટ ખાતે દૂધ તથા છાસ ટેટ્રા પેકમાં મળી રહેશે.

 અભય ડેરી દ્વારા સરખડીયા હનુમાન મંદિર ઝીણા બાવાની મઢી અને બોરદેવી ખાતે ૧ લીટર દૂધ રૂ. ૬૫ ૅ ૨ (પરિવહન દર) વેચાણ કરવામાં આવશે. ૧ કિલોગ્રામનું ઘોરવું પણ રૂ. ૬૫+૨ (પરિવહન દર) વેચાણ કરવામાં આવશે.

  તંત્ર દ્વારા રીક્ષા ભાડાના દર  જાહેર 

  ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓના હિતમાં વહીવટી તંત્ર દ્વારા રિક્ષા ભાડાના જાહેર કરવામાં આવ્‍યા છે. રીક્ષા ભાડાના જાહેર કરાયેલા દર મુજબ ૩ પેસેન્‍જરોનું સંયુક્‍ત ભાડુ જાહેર કરવામાં આવ્‍યું છે.

યાત્રિકોને ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્‍ટ હાઉસ સામે રીક્ષા સ્‍ટેન્‍ડ સુધી પહોંચવા માટે એસ.ટી. ડેપોથી રૂ. ૭૭, રેલવે સ્‍ટેશનથી ૮૫, મજેવડી દરવાજાથી ૭૧, કાળવા ચોકથી ૬૭, દિવાન ચોકથી ૫૯, ઉપરકોટ અને નીચલા દાતારથી ૬૧, સક્કરબાગથી ૮૩, રામનિવાસથી ૮૫, મોતીબાગથી ૯૧, મધુરમ- ટીંબાવાડીથી ૧૩૬ રીક્ષા ભાડું નક્કી કરવામાં આવ્‍યું છે. આ નક્કી કરાયેલું રીક્ષા ભાડું ૩ પેસેન્‍જરોનું સંયુક્‍ત ભાડું છે. તેમ -ાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે. (૨૫.૩)

(10:59 AM IST)