<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ભાવનગરમાં સવા ચાર લાખનો દારૂ ભરેલ ટ્રક કબ્‍જે

મહુવાના બે શખ્‍સોની ધરપકડ : બિયર ખેરા ગામે પહોંચાડવાનું હતું

 (વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨ :   એલસીબી પોલીસ મહુવાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર તરફથી રાજુલા તરફ જઈ રહેલ આઇસર ટ્રક નં.જી.જે.૦૪ - એ.ડબલ્‍યુ.૧૭૭૪ ને માઢીયા ગામ પાસે અટકાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકની અંદર રાખેલ  દારૂની બોટલ નંગ-૧૫૬૦ તેમજ બિયરના ટીન નંગ-૯૩૬ (બંનેની કુલ કિં. રૂ.૪,૨૬,૩૩૬) મળી આવ્‍યા હતા.

  એલસીબી પોલીસે વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્‍થો, મોબાઈલ ફોન તેમજ આઇસર ટ્રક મળી કુલ રૂ.૯,૪૬,૩૩૬ ના મુદ્દામાલ સાથે મનોજગીરી કૈલાશગીરી ગોસ્‍વામી ( રહે. નેસવડ,પ્‍લોટ વિસ્‍તાર, તા. મહુવા ) અને વિજય જીવનભાઈ મહેતા ( રહે. ઇન્‍દિરા વસાહત, મહુવા ) ને ઝડપી લીધા હતા. વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો ચિંતનભાઈ ગુજરીયા ( રહે. ખેરા, તા. રાજુલા,) વાળાએ મંગાવ્‍યો હોવાનો ખુલતા એલસીબી પોલીસે ત્રણે શખ્‍સ વિરુદ્ધ મહુવા ગ્રામ્‍ય પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:01 AM IST)