<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

વાંકાનેરના રાણેકપર નજીક ‘હિટ એન્‍ડ રન': વાંકાનેરના સમીર જેસાણીનું મોત, એકને ઇજા

માટેલ ખાતે આવેલી પોતાની ચાની હોટલે જતી વખતે બનાવઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારમાં માતમઃ ૧૯ વર્ષનો ચાંદ સારવારમાં

રાજકોટ તા. ૧૨: વાંકોનરના રાણેકપર ગામ નજીક હિટ એન્‍ડ રનની ઘટનામાં વાંકાનેરના યુવાનનું મોત થયું છે. સાથેના યુવાનનો ઇજા સાથે બચાવ થયો છે. અજાણ્‍યા વાહનનો ચાલક એક્‍ટીવાને ઉલાળીને ભાગી જતાં આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ વાંકાનેર સિપાહી શેરીમાં રહેતો સમીર મજીનભાઇ જેસાણી (ઉ.વ.૨૦) તથા તેના સગાનો દિકરો ચાંદ નુરમહમદ આબ (ઉ.વ.૧૯) ગઇકાલે એક્‍ટીવા પર  બેસીને માટેલ તરફ જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં રાણેકપર ગામના બોર્ડ પાસે અજાણ્‍યા વાહને ઉલાળતાં બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન સમીર જેસાણીનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સમીર ત્રણ ભાઇમાં નાનો હતો અને માટેલમાં ચા-પાનની હોટેલ ચલાવી પરિવારને મદદરૂપ થતો હતો. તે અને તેના સગામાં થતો ચાંદ બંને માટેલ જવા નીકળ્‍યા ત્‍યારે બનાવ બન્‍યો હતો.

(1:09 PM IST)