News of Tuesday, 12th November 2024
પોરબંદરમાં ડો. મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં
મગફળી મગ અડદની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧રઃ ખેડૂતોને ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો મગફળી, મગઅડદ સહિતની જણસોની ટેકાના ભાવે ખરીદીનો પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતનાં મહાનુભવોની ઉપસ્થિતિમાં માર્કેટ યાર્ડ પોરબંદર ખાતે શુભારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.ત્યારબાદ મંત્રી મનસુખભાઇએ પોરબંદર શહેરમાં દુલીપ ક્રિકેટ સ્કૂલની મુલાકાત લીધી હતી.અને દુલીપ ક્રિકેટ સ્કૂલની સુવિધાઓ વિષેની માહિતી મેળવી હતી.
ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન સરકાર મારફત કરવામાં આવેલ છે. સરકારએ વર્ષ ૨૦૨૪-૨૫ મગફળી માટે રૂ.૬૭૮૩ (રૂ.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે રૂ.૮૬૮૨ (રૂ.૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે રૂ.૭૪૦૦ (રૂ.૧૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિન માટે રૂ.૪૮૯૨ (રૂ.૯૭૮.૪૦ પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલ છે.
જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણભાઇ ઓડેદરા,તાલુકા પંચાયત પ્રમુખ લિરીબેન ખૂટી,કલેકટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર, જિલ્લા ખેતીવાડી અધિકારી, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરીયા,અગ્રણી રમેશભાઈ પટેલ સહિતનાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
