<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

જુનિયર એન્‍જીનીયર ને માર મારવાના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજુર

માળીયા મીયાણામાં વીજ ચેકીંગની ટીમને અટકાવીને

મોરબીઃ તા. ૧૨: માળીયા મીયાણામાં વીજ ચેકીંગમાં ગયેલી પીજીવીસીએલની ટીમને અટકાવી જુનિયર એન્‍જિનિયરને માર મારવાના કેસમાં કોર્ટે બંને આરોપીને જામીન મુક્‍ત કરવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ માળીયા મીયાણામાં આવેલા જનરલ સ્‍ટોરમાં પીજીવીસીએલની ટીમ વીજ ચેકિંગ કરવા માટે ગઈ હતી ત્‍યારે જનરલ સ્‍ટોરમાં બેઠેલા નવાબ ઇસુબભાઈ જેડા અને ફૈજાન મુરાદભાઈ જામ નામના બંને શખ્‍સોએ પીજીવીસીએલના જુનિયર એન્‍જિનિયરને વીજ ચેકિંગ કરતા અટકાવી અને પ્‍લાસ્‍ટિકના પાઇપ વડે માર મારી ધમકી આપ્‍યાની માળિયા મીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પીજીવીસીએલના કર્મચારીની ફરજ રૂકાવટ કરી માર મારવાના કેસમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા બંને આરોપીએ પોતાના એડવોકેટ મારફતે જામીનમુક્‍ત થવા મોરબી સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓને ધ્‍યાને લઈ મોરબી સેશન્‍સ કોર્ટના જજ કે.આર. પંડ્‍યાએ બંને આરોપીને જામીનમુક્‍ત કરવા હુકમ કર્યો છે.

 આ કેસમાં આરોપીના બચાવ પક્ષે એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝબેન એ. પરમાર રોકાયા હતા.

(4:17 PM IST)