<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

રોડ તો સરસ બનાવ્‍યો પણ ગાબડાઓએ સામ્રાજ્‍ય જાળવી રાખ્‍યુ

માળીયા - અમદાવાદ હાઈવે ઉપર જૂના દેવળીયાથી ચરાડવા જતા રોડ ઉપરના પુલીયાઓ ઉપર ગજબનાક ગાબડા

રાજકોટ : માળીયા - મિયાણાથી હળવદ - અમદાવાદ હાઈવે ઉપર આવેલા જૂના દેવળીયાથી ચરાડવા જતો રસ્‍તો વર્ષો સુધી ભયાનક ખરાબ હાલતમાં રહ્યા બાદ કોન્‍ટ્રાકટર દ્વારા માંડ માંડ ૧૦ કિ.મી. જેવા રસ્‍તાનું કાર્ય પૂર્ણ થયુ. જો કે કોન્‍ટ્રાકટરને પણ સ્‍થાનિક લેવલે ગજબનાક પ્રશ્નો મુશ્‍કેલીઓનો સામનો કરવો પડેલ.

આ રસ્‍તો અંતે સરસ તૈયારથી થઈ ગયો પણ અગમ્‍ય કારણોસર રસ્‍તા ઉપરના લગભગ પુલીયા (પાણીના નિકાલ માટેના) લાંબા સમયથી ખાડા - ખબડાવાળા રાખી દેવાયા !! ૧૦ કિ.મી.નો રસ્‍તો સડસડાટ પસાર કરી શકાય, પણ આ ગાબડા - ખાડાવાળા પુલીયા ઉપર વાહન ધીમુ રાખવુ જ પડે અને જાળવીને ચલાવવુ પડે.

આ સમસ્‍યાનો હલ નહિં થતા અને ઉલ્‍ટાનું ગાબડી પૂર્યા પછી ૧-૧ ફૂટના ખાડા પડી જતા ગ્રામજનો ભારે હેરાન - પરેશાન થઈ રહ્યા છે. આ સમસ્‍યા કાયમ માટે હલ ન થતા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. ચોમાસામાં તો રિતસર ગાડી પલટી ખાઈ જાય એવી સ્‍થિતિ વચ્‍ચે તંત્ર દ્વારા કામ ચલાવ થિગડા ઝીંકી દેતા વાહનના ચિલા બેસી જતા પુલીયા પાસે ઉંટની પીઠ જેવો ઘાટ ઘડાયો છે, જેથી ગંભીર અકસ્‍માતનો ભય કાયમ રાહદારીઓને રહે છે. ત્‍યારે તંત્ર દ્વારા, પ્રજા સેવકો દ્વારા, કોન્‍ટ્રાકટર દ્વારા કાયમી ઉકેલ આવે એવુ કામ કરવા લોક માંગ ઉઠી છે. (તસ્‍વીરો : જયેશ ભટાસણા, ટંકારા)

(10:34 AM IST)