News of Wednesday, 13th November 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ૩૧ લાખના દિવ્ય સિલ્વર-ડાયમંડ વાઘા-ફૂલોનો શણગાર
૧૫ કિલો વજનના હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યાઃ મુગટમાં ૭ હજાર તથા કુંડળમાં ૩ હજાર સહિત ૧.૮ લાખ હીરાનો શળંગાર

રાજકોટ, તા.,૧૩: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુઙ્કસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય સિલ્વર ડાયમંડ વાઘાનો શણગાર એવં ફૂલોનો શણગાર કરાયો છે.આજે સવારે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.
સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવને ચાંદીના ૧ લાખ ૮ હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીને પહેરાવવામાં આવનાર આ વાઘાનું વજન ૧૫ કિલો છે. સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં ૭૦૦૦ અને કુંડળમાં ૩૦૦૦ હીરા લગાવવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરને આ વાધા વડતાલ મંદિરના પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુંપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યાં હતા. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના આ વાઘામાં ચાંદીની અંદર ૧ લાખ ૮ હજારથી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કોલકાતામાં ચાલ્યું હતું. આ વાઘા વિશેષ એટલા માટે છે કે, તેમાં ૧ લાખ ૮ હજારથી વધુ અમેરિકન ડાયમંડનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત વાઘામાં ૨૦૦ રિઅલ ડાયમંડ, ૧૦૦ ગ્રામ રોડિયમ, ૨૦૦ માણેક અને ૨૦૦ પન્નાનું જડતર છે. આ વાઘામાં ૧૪ કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. આ વાઘાનું કુલ વજન ૧૫ કિલો છે.આ વાઘામાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ, સુરવાલ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે. આ મુગટમાં સાત હજાર અને મોજડીમાં ૩ હજાર ડાયમંડ છે. આ વાઘામાં થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્ક અને એન્ટિક વર્ક કરવામાં આવ્યું છે. વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી ૨૪ જેટલા મોર ડિઝાઈન કરવામાં આવ્યા છે. આકર્ષક ડિઝાઈન બનાવવા માટે વાઘામાં દસથી પંદર વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. વાઘામાં જયપુરી રોડિયમ લગાડવાને કારણે આ વાઘા આજીવન એટલા જ ચમકતાં રહેશે.
આ વાઘાની કુલ કિંમત રૂપિયા ૩૧ લાખ જેટલી છે. આ વાઘા બનાવવા માટે ૮ મુખ્ય ડીઝાઈનર અને કારીગરોએ લગભગ ૧૮૦૦ કલાક કામ કર્યું હતું. ખરેખર આ વાઘામાં પ્રાચીન અને અર્વાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન જોવા મળે છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
