<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

મોબાઇલના રવાડે ચડેલા બાળકો મેદાનની રમતો ભૂલ્‍યાઃ શારીરિક નુકસાન

મોબાઇલ ગેમ અને કોમ્‍પ્‍યુટર ગેમમાં વ્‍યસ્‍ત બાળકો સાથે માતા પિતાએ કાઉન્‍સેલિંગ કરવા ઉપર ભાર મુકતા પોરબંદર હેલ્‍થ એજયુકેશન ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડિયા

પોરબંદરઃ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્‍યું હતું કે હાલમાં દિવાળીનું વેકેશન અંતિમ તબક્કામાં છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ આ સમયનો સદુપયોગ કરવાને બદલે મોબાઈલ ગેમ અને કોમ્‍પ્‍યુટર ગેમ માં વ્‍યસ્‍ત રહીને જાણ્‍યે અજાણ્‍યે ગંભીર પ્રકારની નુકસાની તરફ જઈ રહ્યા છે.

ચેરમેન રામદેવભાઇએ જણાવ્‍યું હતું કે કોમ્‍પ્‍યુટર ગેમ અને મોબાઈલ ગેમને લીધે બાળકો મેદાની રમતો રમતા નથી જેના કારણે તેમની શારીરિક સ્‍થિતિ ઉપર સીધી અસર થાય છે એક સમય એવો હતો કે વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન જુદા જુદા પ્રકારની શેરી રમતો રમતા હતા. દોડ, કુદ, થી માંડીને ક્રિકેટ અને વોલીબોલ ફૂટબોલ સહિતની રમતોમાં કૌવત દાખવતા હતા તો અમુક બાળકો  લખોટી, ભમરડા, મોઇ દાંડિયા થી માંડીને વ્‍હીલ ફેરવવા સહિતની રમતો રમતા હતા. આ પ્રકારની રમતોને લીધે તેઓને શારીરિક શ્રમ રહેતો હતો અને તેના કારણે તેઓ ફિટ રહેતા હતા પરંતુ આજે આધુનિક સમયમાં આ પ્રકારની રમતો વિસરાઈ ગઈ છે અને મોટાભાગના બાળકો અને કિશોરો આવી રમતો રમવાને બદલે મોબાઇલ અને કોમ્‍પ્‍યુટર ગેમ માં બીઝી થઈ ગયા છે જેના કારણે તેઓને ફાયદો તો થતો નથી પરંતુ અનેક નુકસાન થાય છે.

ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ  જણાવ્‍યું હતું કે સતત મોબાઈલ અને કોમ્‍પ્‍યુટરમાં વ્‍યસ્‍ત રહેવાને લીધે સૌથી મોટું આંખને નુકસાન થાય છે. કોમ્‍પ્‍યુટર સ્‍ક્રીન અને મોબાઇલ સ્‍ક્રીન ની સીધી અસર રેટીના ઉપર પડે છે અને તેના કારણે નાની ઉંમરમાં બાળકોને આંખની બીમારીઓ થતી હોય અને આંખના નંબર આવી જતા હોય તેવા કિસ્‍સાઓ વધ્‍યા છે.

(11:36 AM IST)