તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
‘પદ્મશ્રી' દયાળમુનિનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીનઃ રવિવારે ટંકારામાં શાંતિયજ્ઞ-શ્રધ્ધાંજલી સભા
પોલીસ ટીમ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયુઃ મોટી સંખ્યામાં રાજકીય, સામાજીક અગ્રણીઓ અંતિમયાત્રામાં જોડાયાઃ શ્રધ્ધાંજલી અર્પણ

ટંકારામાં ‘પદ્મશ્રી' દયાળમુનિની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. (તસ્વીર-અહેવાલ : જયેશ ભટ્ટાસણા-ભાવિન સેજપાલ -ટંકારા)
(ભાવિન સેજપાલ - જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧પ : ટંકારામાં ગઇકાલે ‘પદ્મશ્રી' દયાળમુનિ-દયાળજીભાઇ પરમારનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.
આપ સર્વેને વિદિત છે કે ચારેય વેદોનું ગુજરાતી અનુવાદ કરનાર આદરણીય સ્મૃતિશેષ પદ્મશ્રી દયાલમુની આર્ય (ઉ.વ.૯૦) નું પરમપિતા પરમેશ્વરની ન્યાય વ્યવસ્થાને આધારે તા. ૧૪-૧૧-ર૦ર૪, ગુરૂવારના રોજ દેહાવસાન થયેલ છે. તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે શાંતિયજ્ઞ તથા શ્રધ્ધાંજલિ સભાનું આયોજન તા. ૧૭ ને રવિવારે સાંજે ૪ થી ૬ શ્રી મહર્ષિદ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ - ટંકારા ખાતે કરેલ છે. તેમ ધવલભાઇ ભરતભાઇ પરમાર, ભારતીબેન ચેતનકુમાર રાઠોડ અને પરમાર પરિવાર આર્યસમાજ -ટંકારા દ્વારા જણાવાયું છે.
: ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. કાલે સાંજે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ દ્વારા તેઓને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેઓનો પાર્થિવ દેહ અંતિમ દર્શન બાદ પંચભૂતમાં વિલિન થયો છે.
ટંકારામા દયાળમુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારે ૮૯ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી કાલે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સંસ્કળત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ હતા. તેઓનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ ટંકારામાં થયો હતો. દયાળમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કળતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધ્યું હતું.
તેઓની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાને એટલે કે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર ૧ પ્રણવ ભવનમાંથી નીકળી હતી. આ પહેલા તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મામલતદાર, આર્યવિરો, રાજકોટના નામાંકિત ડોક્ટરો સહિતના જોડાયા હતા. સમગ્ર પંથકમાં ભારે શોક વચ્ચે તેમનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલિન થયો છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
