<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ઉપલેટાનાં ચકચારી પાર્સલ બોમ્બનાં ગુન્હામાં આરોપી નાથાભાઈ ડોબરીયાનો નિર્દોષ છુટકારો

ક્રિષ્ના સ્કૂલમાં બ્લ્યુ ડાર્ટ કરિયર મારફત એક પાર્સલ અને સાથે એક લેટર આવેલ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ઉપલેટાનાં ચકચારી પાર્સલ બોમ્બનાં ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે
સને-૨૦૧૮ નાં વર્ષમાં ઉપલેટામાં આવેલ વલ્લભભાઈ રત્નાભાઈ ડોબરીયાની ક્રિષ્ના સ્કૂલમાં બ્લ્યુ ડાર્ટ કરિયર મારફત એક પાર્સલ આવેલ અને સાથે એક લેટર આવેલ અને સહપરિવાર ગીફટ બોકસ ખોલવા તે લેટરમાં લખાયેલું, પરંતુ વલ્લભભાઈ ડોબરીયાને શંકા જતા તેણે તે બોકસ સ્કૂલ બહાર ઝાડ નીચે રાખી દીધેલ બાદમાં ઉપલેટા પોલીસને બોલાવતા ઉપલેટા પોલીસ દ્વારા રાજકોટથી બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડો બોલાવાયેલ અને સ્ક્વોડ દ્વારા તપાસ કરાતા તે બોકસમાં બોમ્બ કે જેમા નવ નંગ ડીટોનેટર સાથે હોવાનું જણાતાં અતિ ગંભિર એકસપ્લોઝીવ હોવાનું જણાતાં બોમ્બ સ્કવોડ દ્વારા તે પાર્સલને સલામત જગ્યાએ લઈ જઈ તેનો નાશ કરાયેલો અને વલ્લભભાઈ ડોબરીયા દ્વારા અજાણ્યા ઈશમો વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા કલમ-૩૦૭ તથા એકસપ્લોઝીવ એકટ અન્વયે ફરીયાદ દાખલ કરાયેલ બાદમાં પોલીસે તપાસ કરી નાથાભાઈ રવજીભાઈ ડોબરીયા કે જેઓને વલ્લભભાઈ ડોબરીયા સાથે ક્રિષ્ના સ્કૂલની મિલકત બાબતે દિવાની તકરારો ચાલુ હતી તેઓને અટક કરાયેલ અને હસ્તાક્ષર નિષ્ણાંતનાં અહેવાલ તથા બેલાસ્ટિક એકસપર્ટનાં અભિપ્રાય મેળવી ચાર્જશીટ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલે તે માટે મુકાયેલ. આ સાથે ૧૯૯૯ માં ઉપલેટાનાં રતિભાઈ પાદરીયા તથા ગીરીશભાઈ સોજીત્રાને પણ પાર્સલ બોમ્બ દ્વારા મારી નખાયેલ તેનો આરોપ પણ નાથાભાઈ ડોબરીયા ઉપર મુકેલ જેનું ચાર્જશીટ પણ જેતે સમયે રજુ કરાયેલ. જેમાં અગાઉ નાથાભાઈ ડોકરીયાને ૧૯૯૯ નાં ગુન્હામાંથી નિર્દોષ જાહેર કારયેલ, ક્રિષ્ના સ્કૂલમાં મોકલાયેલ પાર્સલ બોમ્બવાળા પ્રકરણમાં તત્કાલીન કલેકટર ડો.રાહુલ ગુપ્તા તથા અન્ય અધિકારીઓ પોલીસ સ્ટાફ વિગેરેનાં પુરાવા નોંધાયેલ. જેમાં ઉપલેટા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ. જી. પલ્લાચાર્ય દ્વારા જે પંચનામાઓ થયેલ તેમાં એક જ તારીખે અને એક જ સમયે આરોપીને સાથે રાખી ત્રણ અલગ અલગ જગ્યાએ પંચનામાઓ થયેલનું રેકર્ડ પર આવેલ અને પાર્સલ બોમ્બનો નાશ કરાયેલ તે જગ્યાએ કોઈ વિસ્ફોટકનાં અંશો મળી આવેલ ન હોવાનું તથા નાથાભાઈ પાસે નવ નંગ ડીટોનેટર કયાંથી આવેલા તે રેકર્ડ આવી શકેલ નહી છતાંપણ તત્કાલીન કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ તપાસનાં પેપર્સનો પુરતો અભ્યાસ કર્યા વગર પરવાનગી આપેલનું તથા પોલીસે યોગ્ય રીતે તપાસ ન કરેલ હોવાનું અને આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ હોવાનું રેકર્ડ પર આવેલ અને ફરીયાદપક્ષ તથા આરોપીપક્ષ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને આરોપીપક્ષ દ્વારા નામદાર સુપ્રિમ કોર્ટ તથા ઉચ્ચ અદાલતોનાં અભિપ્રાયો રજુ કરાયેલ. જે તમામ હકીકત ધ્યાને લઈ તથા આરોપીનાં એડવોકેટ ચંદુલાલ એસ. પટેલની દલીલો ધ્યાને લઈ ધોરાજીનાં એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ. એમ. શેખ સાહેબ દ્વારા આરોપી નાથાભાઈ રવજીભાઈ ડોબરીયાને  નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આમ ઉપલેટાનાં ચકચારી પ્રકરણનો અંત આવેલ છે.

(11:39 PM IST)