News of Tuesday, 19th November 2024
શિવાની દીદીના કાર્યક્રમમાં બુધવારે કેશોદમાં રાજ્યના વિવિધ આગેવાનો એક મંચ ઉપર દેખાશે
કેશોદમાં સૌ પ્રથમ વખત યોજાતા વિનામુલ્યે કાર્યક્રમમાં અડધા કલાક પહેલા પોતાનું સ્થાન લેવા અનુરોધ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૯: વિશ્વ વિખ્યાત પ્રેરક વક્તા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બ્રહ્માકુમારી શિવાની દીદીના બુધવારે યોજાનાર અહીં ખાતેના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વિવિધ આગેવાનો હાજરી આપનાર છે. દરમિયાન આ પ્રસંગે હાજરી આપનાર અન્ય શ્રોતાઓ એ મોડામાં મોડા ૫ વાગ્યા સુધી માં પોતાનું સ્થાન મેળવી લેવા અનુરોધ કરાયો છે.
સૌ પ્રથમ વખત કેશોદમાં યોજાતા આ કાર્યક્રમની તૈયારીના અંતિમ તબક્કાની માહિતી આપતા સ્થાનિક કેન્દ્રના સંચાલિકા બ્ર.કુ. રૂપાબહેને જણાવ્યું હતું કે કેશોદમાં આજ સુધીના ઇતિહાસનો આ સૌ પ્રથમ કાર્યક્રમ છે અને તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, માજી સંસદ રમેશભાઈ ધડુક, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, ઇન્ટરનેશનલ માઇન્ડ ટ્રેનર જીતેન્દ્રભાઈ અઢિયા, જિલ્લા પોલીસવડા શ્રી હર્ષદ મહેતા, આઈ.એ.એસ. ડેપ્યુટી કલેકટર શ્રી વંદનાબેન મીણા, સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલ વેકરીયા, વેપારી મહામંડળના પ્રમુખ વિરમભાઈ ઓડેદરા,અગ્રણી ડો. સાંગાણી સાહેબ, ડો. અજુડીયા સાહેબ, ડો. હિંગોરા સાહેબ, રોટરી ક્લબના પ્રમુખ ભુપતભાઈ વાજા, હિતેશભાઈ ચનીયારા, ભારત વિકાસ પરિષદ ના ડો. તન્ના સાહેબ, અગ્રણી ઉદ્યોગપતિ મેરામણભાઈ યાદવ, આગેવાન સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી સહિત સંખ્યાબધ આગેવાનો હાજરી આપનાર છે.
રૂપાબહેને ઉપરોક્ત હકીકત જણાવતા વિશેષમાં ઉમેરેલુ કે બુધવાર તા. ૨૦ ના રોજ સાંજના ૫.૩૦ કલાકે યોજાતા આવા કાર્યક્રમને લઈ ને સમગ્ર કેશોદમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમના આરંભમાં બ્ર.કુ. દામિનીબેન ખુબ સુંદર ગીતો દ્વારા આધ્યાત્મિક વાઇબ્રેશન ફેલાવશે.
સંતોષજનક વ્યવસ્થા ગોઠવાય એ માટે શ્રોતાઓને ૫:૦૦ વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેવા જણાવ્યું છે. કેશોદ શહેરના તમામ જ્ઞાતિ ના આગેવાનો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓની હાજરી રહેવાની હોય ટ્રાફિક પણ પૂરતો રહેવાની સંભાવના છે. આ કાર્યક્રમમાં સ્થાનિક શહેરના તેમજ બહારગામના બધા લોકોનો ખુબ સહકાર મળી રહ્યો છે
આ કાર્યક્રમ આવનાર દરેકને તારીખ ૨૧ થી ૨૪ સુધી ચાર દિવસ સવારે ૭:૦૦ થી ૮:૩૦ અને સાંજે ૫ થી ૬:૩૦ આયોજિત રાજ્યોગ શિબિર નો લાભ લેવા પણ જણાવ્યું છે. આ શિબિર નું સંચાલન અમદાવાદ થી પધારનાર વિશેષ સિનિયર રાજ્યોગી બ્રહ્માકુમારી ઈશિતાબેન દ્વારા થશે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
