<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

અમરેલી-કુંકાવાવ પંથકના રસ્‍તાના કામો માટે ૧૫૭ કરોડથી વધુ મંજુર

નાયબ મુખ્‍ય દંડક કોૈશિક વેકરિયાના પ્રયાસો સફળ

ગાંધીનગર તા.૧૯: અમરેલી- કુંકાવાવ વિસ્‍તારના યુવાન અને દૃષ્ટિવંત ધારાસભ્‍ય કૌશિક વેકરીયાએ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને મળીને પોતાના મત વિસ્‍તારના સ્‍ટેટ રોડ અને મુખ્‍ય જિલ્લા માર્ગના રોડ પહોળા કરવા ચાર માર્ગીય બનાવવા તથા મજબૂતીકરણ કરવા માટે કરેલી ભારપૂર્વકની રજૂઆતના પરિણામે મુખ્‍યમંત્રીએ અમરેલી વિધાનસભા ક્ષેત્રના કુલ ચાર કામ માટે રૂપિયા ૧૫૭ કરોડ અને ૪૫ લાખ જેવી માતબર રકમ મંજૂર કરી છે. તાજેતરની મુખ્‍યમંત્રીની અમરેલીની મુલાકાતો વિસ્‍તારને ફળી છે.

અમરેલી- કુંકાવાવ -વડીયા ૨૬ કિલોમીટરની લંબાઈનો સ્‍ટેટ હાઇવે હયાત પહોળાઈ સાડાપાંચ મીટરમાંથી દસ મીટરની કરવા સાથે વાઈડનીંગ રીસર્ફેસિંગ સીસી રોડ પ્રોડક્‍શનની કામગીરી સાથે મંજૂર કરતા રૂપિયા ૬૭.૫૦ કરોડની ફાળવણી કરી છે.

અમરેલી- નાના આંકડિયા -ચિતલ રોડ ૧૬.૫ કિલોમીટરનો રસ્‍તો ૩.૭૫ મીટરમાંથી ૭ મીટર કરવા સાથે વાઈડનીંગ, સરફેસિંગ, સી.સી. રોડ, કોઝવેની જગ્‍યાએ નવા સ્‍ટ્રક્‍ચર તેમ જ રોડ ફર્નિચરના કામ માટે ૪૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે.

ઉપરાંત ચિતલ- રાંઢીયા -લુણીધાર ૧૧કી.મી.નો રસ્‍તો જે ૩.૭૫ મીટર હતો, એમાંથી ૭ મીટર કરવા સાથે સ્‍ટ્રકચર વાઇન્‍ડિંગ કન્‍ટ્રક્‍શન કામ માટે રૂ. ૩૬ કરોડ ૨૦ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્‍યા છે. બાબરા -ચિતલ -અમરેલી સ્‍ટેટ હાઇવે નાનામાચિયાળા બાયપાસથી ઠેબી ડેમના પાળા સુધીનો હયાત રસ્‍તો ફોર લેન કરવાનું કામ રૂ. ૧૨ કરોડ ૭૫ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે.

(11:05 AM IST)