<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાંની આવક શરૃ થઈ ગઈ

મુહૂર્ત ટ્રેડિંગમાં જ નોંધાયા રેકોર્ડબ્રેક ભાવ ઃમરચાંની અંદાજે ૩ હજાર ૫૦૦થી ૪ હજાર ભારીની આવક નોંધાઈ છે જ્યારે મુહૂર્તમાં મરચાની ૧ ભારીના રેકોર્ડબ્રેક ૨૩ હજાર ૧૧૩ રૃપિયા ભાવ બોલાયા હતા

રાજકોટ,તા.૧૯ :રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાંની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૃ કરવામાં આવી હતી. સૌપ્રથમ મરચાંની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. મરચાંની અંદાજે ૩ હજાર ૫૦૦થી ૪ હજાર ભારીની આવક નોંધાઈ છે. જ્યારે મુહૂર્તમાં મરચાની ૧ ભારીના રેકોર્ડબ્રેક ૨૩ હજાર ૧૧૩ રૃપિયા ભાવ બોલાયા હતા. સાથે જ ૨૦ કિલો મરચાંના ભાવ ૩થી ૬ હજાર સુધી બોલાયા હતા..

ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે. જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાંની ખરીદી કરવા માટે આવ્યા હતા. ખેડૂતો પોતાનો મરચાંનો પાક સુકવીને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ તરફ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૃ થઈ. સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ પતી ડુંગળીની હરાજી શરૃ કરવામાં આવી છે.

 યાર્ડમાં હરાજી શરૃ થતાં પ્રથમ દિવસે જ ડુંગળીની ૨ હજાર બોરીની મબલખ આવક થઈ. ગત વર્ષની સરખામણીએ ડુંગળીના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના પ્રતિ મણ ૩૦૦થી ૬૦૦ રૃપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યાં.

(11:13 PM IST)