News of Wednesday, 20th November 2024
લગ્નનું મામેરૂ પતાવી ઘેર મુંબઈ જતા કચ્છના પાટીદાર પરિવારની કારને અકસ્માતઃ માતા-પુત્રનું મોત
ટ્રકને ઓવરટેક કરવાની લ્હાયમાં કાર પુલની રેલિંગમાં ભટકાઇઃ આજે મતદાન હોઈ વ્હેલા નિકળ્યા હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦: આજે રાજમાર્ગો પહોળા ભલે થયા હોય પણ વાહન ચાલકોની ઓવરસ્પીડ માટેની ઘેલછાને કારણે માર્ગ અકસ્માતોમાં વધારો થયો છે એ કડવી વાસ્તવિકતા છે. કચ્છના નખત્રાણા તા.ના વેસલપર ગામનો પાટીદાર પરિવાર વતનમાં લગ્ન પ્રસંગ અને મામેરુ પતાવી કારથી પરત ઘેર મુંબઈ ફરી રહ્યો હતો ત્યારે ભરૂચ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે જણના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા.
ભુજમાં રિસેપ્શન અને રત્નાપર (માંડવી)માં મામેરૂ પતાવી બે ભાઈઓ અરવિંદ અને અશોક શામજી પટેલ મુંબઈમાં ચૂંટણી હોઈ મતદાન માટે રવિવારે મોડી રાત્રે કચ્છથી મુંબઈ જવા અલગ અલગ કારમાં ભુજથી રવાના થયા હતા. વડોદરાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇ-વે ઉપર ચડ્યા બાદ અશોક શામજી પટેલની કારમાં તેમના પત્ની નિશાબેન, પુત્ર જીત બેઠા હતા જ્યારે કાર તેમનો બીજો પુત્ર નિર્મિત ચલાવી રહ્યો હતો. ભરૂચ પાસે ટ્રકને ઓવરટેક કરવા જતાં નિર્મિતે કાબૂ ગુમાવતાં કાર પુલની રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા નિશાબેન અને કાર ચલાવી રહેલા પુત્ર નિર્મિતનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અશોકભાઈ અને જીતને ઇજાઓ થઈ હતી. આ કારની સાથે જ રહેલ બીજા ભાઈ અરવિંદભાઈની કાર પાછળ હતી એમણે અકસ્માત જોઈ કાર રોકી એમની કાર પણ પુલની રેલિંગ સાથે અથડાઈ હતી. પરંતુ તેમને કોઇ ઇજાઓ થઈ નહોતી. આ અકસ્માત અંગે ભરૂચ ની આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
