<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ડુંગળીના લીધે ખેડૂતોએ રોવાનો વારોઃ ડુંગળીની આવક વધી પણ સારા ભાવ ન મળ્‍યા

ગોંડલ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક પણ ખેડૂતોને સાવ ઓછા ભાવ મળે છેઃ ડુંગળીની કવોલિટી નબળી હોવાથી ભાવ સારા નથી મળતા વેપારીઃ સરકાર હવે ડુંગળીમાં સહાય કરે તેવી ખેડૂતોની માંગ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ  તા. ૨૦: યાર્ડમાં ડુંગળી અને મગફળી ની આવક વધી રહી છે જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. એક તરફ યાર્ડમાં આવક તો સારી એવી થઈ રહી છે અને બીજી તરફ મોટાભાગના ખેડૂતોને પોષાય એવા ભાવ મળતા નથી જેથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.

બે દિવસ પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં  ડુંગળીના અંદાજે ૧.૨૦ લાખ કટ્ટાની આવક થઈ હતી અને મગફળીની ૮૦ હજાર ગુણી આવક થઈ હતી.  માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલી હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૨૦૦ થી ૯૦૦ સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૮૦૦ થી ૧૨૦૦ સુધીનો ભાવ ખેડૂતોને મળ્‍યો હતો.

ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્‍ટ્રભરમાંથી ખેડૂતો સારા ભાવની આશા એ આવતા હોય છે પરંતુ હાલ મોટાભાગનાં ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. લોધિકાથી આવેલા અશોકભાઈ કોટડીયાએ જણાવ્‍યું કે, મારે ડુંગળીનું ૫ વીઘાનું વાવેતર હતુ જેની પાછળ ઓછામા ઓછો લાખથી દોઢ લખનો ખર્ચો થયો હતો અને હવે મેળવેલ ઉત્‍પાદનનો ભાવ ફક્‍ત અઢી સો થી ત્રણ સો બોલાય છે તો એ પોષાય તેમ નથી સરેરાશ ૬૦૦ થી ૭૦૦ ભાવ મળે તો પોષાય એમ છે

લોધિકાથી આવેલ અન્‍ય  ખેડૂત રાજેશભાઈએ જણાવ્‍યું કે તેમણે પણ ૫ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું વરસાદના કારણે વધારે ખર્ચો થયો હતો લાખથી દોઢ લાખનો ખર્ચો કર્યા બાદ આજે એ ડુંગળીના ભાવ ફક્‍ત ૨૯૧ રૂપિયા મળતા એ પોષાય એમ નથી સરેરાશ ૮૦૦ રૂપિયા ભાવ હોય તો પોષાય એક તરફ વરસાદના કારણે ૫૦ ટકા ઉત્‍પાદન નિષ્‍ફળ ગયુ છે ત્‍યારે સરકાર હવે ડુંગળીમાં સહાય કરે અથવા બહાર નિકાસ કરે તો સારા ભાવ મળે.

બીજી તરફ માર્કેટ યાર્ડમાં વેપારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્‍યું કે ડુંગળીની ક્‍વોલિટી નબળી આવી છે એટલે ભાવ સારા નથી મળી રહ્યા. યાર્ડમાં આવેલા વેપારી પિયુષભાઈ બાબરીયા એ જણાવ્‍યું કે, ગતવર્ષ કરતા ડુંગળીની આવક અત્‍યારે વધારે છે જો કે ગત વર્ષે ડુંગળીના ભાવ ૮૦૦ થી ૯૦૦ સુધીના ભાવ હતા પરંતુ આ વખતે ક્‍વોલિટી નબળી હોવાથી ૨૦૦ થી ૭૫૦ સુધીના ભાવ છે. વરસાદના કારણે ખેડૂતોની ૭૦ ટકા ડુંગળી બગડી ગઈ છે ૩૦ ટકા જ સારી રહી છે. આમ, આ વખતે ડુંગળીની આવક તો વધી છે પણ સારા ભાવ ન મળતા ખેડૂતોને સારી આવક એટલે સારા ભાવ મળતા નથી.

(10:53 AM IST)