News of Wednesday, 20th November 2024
ચોટીલાનાં મુખ્ય રોડ ઉપર દિલ્હી જેવું પ્રદૂષણ !
સારા રોડ ને તોડી લોટ પાણી લાકડા જેવું કામ : તંત્ર પગલા નહીં ભરે તો આંદોલનનાં ભણકારા

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૨૦ : ચોટીલા શહેરની મધ્યમાંથી પસાર થતા સારી કન્ડીશન વાળા રોડ ને તોડી રિપેરીંગ ની ગ્રાન્ટ ના નાણા લોટ પાણી લાકડા જેવું કામ પાછળ વેડફી શહેરનાં લોકોને બાનમાં રાખવા જેવો તાશેરો કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
હાઇવે કનૈયા ચોકડી થી જલારામ મંદિર તરફ જતા મુખ્ય સારા ગુણવત્તા વાળા રોડ ને તોડી નાખ્યો અને લોખંડનાં સળીયા અને ઊંડાઇ વાળા મજબુતાઇ વાળા રોડ નાં સ્થાને હલકી કક્ષાનાં સિમેન્ટ મટીરીયલ્સ વાળો હલકી કક્ષાનો રોડ બનાવતા મુખ્ય રોડ ઉપરનાં ધંધાર્થીઓ માટે કાયમી માથાનો દુખાવા સમાન પ્રશ્ન બનેલ છે.
મહિનાઓ પહેલા કોન્ટ્રાક્ટરે કરેલા નબળા કામને કારણે એક જ ચોમાસું જતા રોડ કયાં છે તે શોધવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને સિમેન્ટ ગાયબ થતા પડેલા ગાબડા પુરવા કવાયત કરવી પડેલ
હલકી સિમેન્ટ અને નબળા કામ પાછળ ખુલ્લો ભ્રષ્ટાચાર હોવાની પણ ચર્ચા ઉઠી છે આ રોડ ઉપર કાયમ દિલ્હી જેવું પ્રદૂષણનું ઝેર ઓકતું વાતાવરણ રહે છે. ૨૪ કંલાક ઉડતી ધુળ ની ડમરીઓ થી વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. અને તંત્ર વાહકો ની ઢાક પીછોડ ની રાજનીતિ નો ભોગ વેપારીઓનાં ધંધા રોજગાર ઉપર પડે છે.
સારો ગુણવત્તા વાળા રોડ ને તોડી નાખવાની જરૂરીયાત હોવાનો કોઇ ઉચ્ચ અધિકારી કે એન્જિનિયર નો અભિઙ્ઘાય હતો કે કેમ? સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ સારા રોડ ને તોડી તેના ઉપર કહેવાતા નબળા રોડમાં ગેરવલ્લે ખર્ચાઇ હોવાનું લોકો બુમ બરાડા નાખી રહ્યા છે.
નબળા રોડ અને ધુળની ડમરીઓનાં ત્રાસ થી અનેક લોકો એ કાચનાં દરવાજાનાં ખર્ચો કરવાની ફરજ પડેલ છે અને રોડ ઉપર ક્ષમતા કરતા વધુ ખનીજ ભરેલા અનેક ઓવરલોડીંગ વાહનો પસાર થયા છે. અને નબળા રહી રોડનાં ઉખડી ગયેલા કપચાઓ ઉડાડી દુકાનના કાચ તોડી નાખવામાં આવ્યા છે.
આ મુખ્ય રોડ અંગે તંત્ર દ્વારા વહેલી તકે ઘટતું નહી કરાય તો ડમરી રાજ થી ત્રસ્ત થયેલા સ્થાનિક વેપારીઓ ના છુટકે આંદોલન જેવા રસ્તા અપનાવી તંત્રના કાન આમળવાની ફરજ પડશે તેવું ધંધાર્થીઓ જણાવે છે. ચૂટણી સમયે વેપારીઓનાં મત મેળવવા દોડધામ અને ડાહી વાત કરનાર આગેવાનો આ રોડનાં મુદ્દે વેપારીઓની લાચાર વેદના સમજે અને વહેલી તકે નિવારણ કરવાની નૈતિકતા દાખવે તેવી માંગ ઉઠી છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
