News of Wednesday, 20th November 2024
ગિરનાર અંબાજી મંદિરના મહંત મુદ્દે વિવાદ યથાવત, જૂના અખાડા, ગિરનાર મંડળ નિર્ણય લેશે
મહંત તનસુખગીરીબાપુ બ્રહ્મલીન થતાની સાથે સાધુ સંતોમાં ગાદી માટે વિવાદ ચરમસીમાએ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૦ ઁ : ગિરનાર અંબાજી મંદિરના મહંત મુદ્દે મંગળવારથી શરૂ થયેલો વિવાદ યથાવત રહ્યો છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં જૂના અખાડા, ગિરનાર મંડળ નિર્ણય લેશે. ગિરનાર પર્વત પર બિરાજતા અંબાજી માતાજીના મંદિરના મહંત તનસુખગીરીબાપુ ગઈકાલે બ્રહ્મલીન થતાની સાથે જ સાધુ સંતોમાં ગાદી માટે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગાદીને લઈને ગિરનાર પર્વત સ્થિત કમડળ કુંડના મહંત મહેશગીરીબાપુ અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતી બાપુનું જૂથ આમને સામને આવી ગયું છે.
જૂનાગઢમાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગઈકાલે સવારે બાપુની સમાધિ અને પાલખી યાત્રાની તૈયારી ચાલતી હતી તે દરમિયાન જ સાધુ સંતોમાં વિખવાદ શરૂ થયો હતો. આ સમયે હરીગીરી મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, મહેશગીરી સહિતના સંતો હાજર હતા. ત્યારે તનસુખગીરીના ખાસ શિષ્ય કિશોરભાઈ અને યોગેશભાઈને હરિગીરી મહારાજે તમે મને ફોનમાં જે વાત કીધી હતી તે જાહેરમાં બોલો તેમ કહેતા કિશોરભાઈ અને યોગેશભાઈએ જણાવેલ કે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં બાપુની સારવાર ચાલતી હતી ત્યારે મહેશગીરી અને અન્ય સંતોએ આવી અમુક કાગળોમાં તનસુખગીરી બાપુનાં અંગૂઠાના નિશાન લઈ લીધા હતા.
આ તકે ઇન્દ્રભારતી બાપુએ મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું કે સત્ય શું છે કોણે શું કર્યું છે તે અંગે સીસીટીવી કેમેરા સહિતની તપાસ કરશું. આ મામલે મહેશગીરી બાપુએ કિશોરભાઈ અને યોગેશભાઈના આક્ષેપ અંગે જણાવેલ કે મેં તેમને બંનેને જાણ કરી બોલાવી ડોકટરો તથા સાક્ષીઓની રૂબરૂમાં તમામ ઙ્કક્રિયા કરી હતી અને તેમાં બંને હાજર હોય એવા અને સમર્થન પણ આપતા હોવાના ઓડિયો વીડિયો સહિતના પુરાવાઓ હોવાનો દાવો કર્યો હતો.
મહેશ ગીરી આક્ષેપ કર્યો હતો કે તનસુખગીરી અગાઉ ભવનાથ મંદિરના મહંત હતા ત્યારે તેમને હાલના મહંત હરીગીરીએ જ કાઢ્યા હતા. અને તેઓ ફરી મેદાનમાં આવ્યા છે. બ્રહ્મલીન મહંતના બંને શિષ્યોને પણ આ અંગેની જાણ હોવા છતાં તેઓ તેના વિરોધીઓ સાથે બેસી ગયા તે પણ શરમજન હોવાનું મહેશગીરીએ જણાવ્યું હતું
બ્રહ્મ લીન તનસુખગીરી બાપુની પાલખી યાત્રા પૂરી થયા બાદ તેઓને ભીડભંજન ખાતે સમાધિ આપવામાં આવી હતી. સમાધિ સમયે મોટી સંખ્યામાં સાધુ સંતો એકઠા થયા હતા. જેમાં જુના અખાડાના અગ્રણી પ્રેમગીરી, ભવનાથના મહંત હરીગીરી સહિતના સંતોએ અંબાજીના હવેના મહંત અંગે બનેલી ઘટના અંગે રોષ વ્યકત કર્યો હતો. પ્રેમગીરી બાપુએ રોષ સાથે જણાવ્યું હતું કે, ગિરનાર અંબાજી મંદિરના મહંત મુદ્દે ગિરનાર મંડળ જૂના અખાડા, સહિતનાઓ નિર્ણય લેશે જરૂર પડશે તો કાનૂની પ્રક્રિયાઓ પણ કરશું. જો તનસુખગીરીએ અગાઉ સ્વેચ્છાએ મહંત તરીકે કોઈપણ ને જાહેર કર્યા હોત તો વાંધો ન હતો. પરંતુ અંગૂઠાઓના નિશાન લીધા હોવાની ઘટના વ્યાજબી નથી.
આમ ગીરનાર અંબાજી મંદિરના મહંત અંગે આગામી દિવસોમાં જૂના અખાડા અને ગિરનાર મંડળ શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ મંડાઇ છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
