News of Thursday, 21st November 2024
દ્વારકામાં 61 વર્ષીય વૃદ્ધ સાથે લૂંટનો ચોંકાવનારો કિસ્સો : બે અજાણી મહિલાઓ ગાર્ડનમાં લઈ ગઈ
અજાણ્યા શખ્સોએ વૃદ્ધને માર મારીને તેનો ફોન લઈ લીધો બાદમાં તેના ફોનમાંથી 39 હજાર રૂપિયા ગૂગલ પે થી ટ્રાન્સફર કરી ઉપાડી લીધા

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં 61 વર્ષીય નિવૃત્ત જગદીશ દવે નામના વ્યક્તિને બે મહિલાઓ સાથે ગાર્ડનમાં જવું ભારે પડ્યું હોવાનું સામે આવ્યું છે. જગદીશ દવે નામના વ્યક્તિ સાથે રૂપિયા 39,000 ની લૂંટ ચલાવવામાં આવી છે. જોકે સમગ્ર મામલે ગણતરીના જ કલાકોમાં દ્વારકા શહેર પોલીસ દ્વારા બે દંપતી સહિત કુલ પાંચ જેટલા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં આરોપીઓ દ્વારા બે દિવસમાં બે જેટલા વ્યક્તિઓ સાથે કુલ 43 હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી તો સામે આવ્યું કે, તેમના દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારનો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો છે.
61 વર્ષીય જગદીશ દવે નામના રિટાયર્ડ વ્યક્તિ દ્વારા બે અજાણી મહિલા તેમજ ત્રણ અજાણ્યા પુરુષો વિરુદ્ધ રૂપિયા 43 હજારની લૂંટ ચલાવવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ મંગળવારના રોજ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 115 (2), 310 (2), 352, 61(2) સહિતની કલમ હેઠળ નોંધાવવામાં આવી હતી. જેમાં દ્વારકા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ફરિયાદી જગદીશ દવેએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “મંગળવારના રોજ સવારના 11:30 વાગ્યા આસપાસ હું ભડકેશ્વર મંદિર ખાતે દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં બે સ્ત્રીઓ મારી પાસે આવીને મને કહ્યું હતું કે, ‘અમે વાંકાનેરથી આવીએ છીએ. અમે અહીંયા કશું જોયું નથી. અમને પટેલ સમાજ તરફ મૂકી જાવ.’ તેવું કહેતા તે બંનેને મેં મારા મોટરસાઇકલમાં બેસાડીને પટેલ સમાજ તરફ મુકવા જતો હતો. ત્યારબાદ બંને સ્ત્રીઓએ મને પટેલ સમાજની સામે આવેલા ગાર્ડનમાં અંદર મૂકી જવા જણાવ્યું હતું. તેમજ મને કહ્યું હતું કે ‘તમે અમારી સાથે ગાર્ડનમાં આવો આપણે ગાર્ડનમાં બેસીશું’ તે પ્રકારની મને લાલચ આપતા અમે ગાર્ડન પાસે પહોંચ્યા હતા.”
ગાર્ડનમાં બેસ્યા બાદ થોડીક જ વારમાં ત્યાં ત્રણ અજાણ્યા પુરુષો આવી જતા મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમજ ઢીકા પાટુનો માર પણ માર્યો હતો. તો સાથે જ મને ધમકી આપીને કહેવા લાગ્યા હતા કે, ‘તારી પાસે જેટલા પણ પૈસા હોય તે મને આપી દે’ જેથી મેં કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી. ત્યારબાદ મારી પાસેથી મારો મોબાઇલ જૂઠવી લઈ તેનો પાસવર્ડ લઈ મારા મોબાઈલમાં રહેલા google pay માં ચેક કરીને જેમાં 39,000 રૂપિયા બતાવતા હતા. ત્યારબાદ બે સ્ત્રીઓ અને તે અજાણ્યા પુરુષ મારો ફોન લઈને ત્યાંથી જતા રહ્યા હતા. તેમજ થોડીવારમાં મને મારો મોબાઇલ પાછો આપીને જતા રહ્યા હતા. મેં મારો મોબાઇલ ફોન ચેક કરતા જીએન બારાઈ નામના આઈડીમાં 39 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે એકાઉન્ટ દ્વારકા બસ સ્ટેશનની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ વાળાનું હોવાનું સામે આવ્યું હતું.”
સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્ય વ્યક્તિથી આવ્યો હતો અને તેમને રોકડા રૂપિયાની જરૂરિયાત હોવાનું તેમને જણાવતા ક્યુઆર સ્કેન કોડ કરી પેટ્રોલ પંપ વાળા પાસેથી તેમણે 39,000 લીધા હતા. તેમજ આરોપીઓ દ્વારા દ્વારકા શહેર ખાતે બે દિવસ પૂર્વે અનિલ લાલ મગનલાલ નામના વ્યક્તિ પાસેથી પણ આ જ પ્રકારે ટ્રેપ ગોઠવી 4000 રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
