<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

૧ લી ડિસેમ્‍બરે દિલ્‍હીમાં દલિત, ઓબીસી, લઘુમતી, આદિવાસી પરિષદની રેલી

સંવિધાનની રક્ષા, જાતિગણના દ્વારા સામાજીક ન્‍યાય, આરક્ષણની મર્યાદા પ૦ ટકાથી વધારવા, ઇવીએમનો વિરોધ અને બેલેટથી ચુંટણી યોજવાની માંગ, વકફ કાનુનનો વિરોધ, મોબલીંચીંગ, બુલડોઝર અને ભડકાઉ ભાષણનો વિરોધ અને દેશમાં ફરીથી કાનુન વ્‍યવસ્‍થા પુનઃ ગઠીત કરવાની માંગ સાથે ફુંકાશે રણશીંગું : ‘ડોમા' પરિષદના રાષ્‍ટ્રીય ચેરમેન ડો.ઉદીત રાજની અધ્‍યક્ષતાઃ ગુજરાતના પુર્વ ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખ રેલીમાં ભાગ લઇ માંગણીઓને સંપુર્ણ ટેકો આપશે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ર૧: આગામી ૧ લી ડિસેમ્‍બરના રોજ નવી દિલ્‍હી ખાતેના રામલીલા મેદાન ઉપર  દલીત, ઓબીસી, લઘુમતી અને આદિવાસી પરિષદની મહારેલીનું આયોજન ‘ડોમા' પરિષદના રાષ્‍ટ્રીય ચેરમેન ડો.ઉદીત રાજની આગેવાની હેઠળ થઇ રહયું છે. આ રેલીમાં ગુજરાતના પુર્વ ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખને પણ આમંત્રણ પાઠવાયું હોય તેમણે મહાસંમેલનમાં સંપુર્ણ ટેકો જાહેર કર્યો છે. રાજયસભા અને લોકસભાના ૪૦ સંસદસભ્‍યો અને દરેક રાજયોના લઘુમતી ધારાસભ્‍યોને પણ આ રેલીમાં આમંત્રીત કરવામાં આવ્‍યા છે.

ગ્‍યાસુદીન શેખએ અકિલા સાથે કરેલી વાતચીતમાં જણાવ્‍યું હતું કે, સંવિધાનની રક્ષા, જાતિગણના દ્વારા  સામાજીક ન્‍યાય, આરક્ષણની મર્યાદા પ૦ ટકાથી વધારવા, ઇવીએમનો વિરોધ અને બેલેટથી ચુંટણી યોજવાની માંગ, વકફ કાનુનનો વિરોધ, મોબલીંચીંગ, બુલડોઝર અને ભડકાઉ ભાષણનો વિરોધ અને દેશમાં ફરીથી કાનુન વ્‍યવસ્‍થા પુનઃ ગઠીત કરવાની માંગ સાથે આ   રેલી યોજવામાં આવી રહી છે. આ રેલી રાજકારણમાં નવુ ચિત્ર રજુ કરશે  તેવું આયોજક ડો.ઉદિત રાજએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

તેમણે એવું પણ જણાવ્‍યું હતું કે, જમીયત એ ઉલમા એ હિંદ જો મંજુરી આપે તો મોબલીંચીંગ અને ભડકાઉ ભાષણો અંગે પોતે સુપ્રિમ કોર્ટમાં કેસ લડવા તૈયાર છે. દલીતો અને લઘુમતીઓના ઉત્‍પીડન કેસો વધી રહયા છે ત્‍યારે દલીત, ઓબીસી, માઇનોરીટી, આદિવાસી પરીષદ ૧ લી ડિસેમ્‍બરે એક મંચ ઉપર આવી વિવિધ મુદ્દે પોતાનો અવાજ બળવત્તર બનાવશે અને ન્‍યાયની માંગણી કરશે તેમ અમદાવાદના પુર્વ ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખે જણાવ્‍યું હતું.

૧૯૯૭ થી દર વર્ષે આ રેલીનું આયોજન થયું છે. જે દેશમાં પ્રવર્તતા મુદ્દાઓની લડાઇ લડે છે. ટીવી ચેનલ સાથે વાતચીત કરતા ડો.ઉદીત રાજે જણાવેલ કે, બહુજન, આંબેડકર, દલીત, મુસ્‍લીમ, પછાત આદિવાસીના નામે સંગઠનો તો બની જાય છે પરંતુ જે સંગઠન બનાવે છે અને જે કર્તાધર્તા હોય છે તેની જ જાતીના લોકો સંગઠનોની કમાન સંભાળી લે છે. આવુ ન બને એટલે અમે નક્કી કર્યુ છે કે ઓછામાં ઓછા ૩ કાર્યકારી અધ્‍યક્ષ હશે જેમાં એક મુસ્‍લીમ, એક ઓબીસી, એક દલીત તેમજ એક આદિવાસી સમાજનો પ્રતિનિધિ હોવો જોઇએ. જે પ્રદેશમાં આદિવાસી છે ત્‍યાં ૪ પ્રતિનિધિ હોવા જોઇએ. જેનાથી એવું લાગે કે આ બહુજન છે અને બહુજનના પ્‍લેટફોર્મ ઉપરથી લડાઇ લડી શકાય છે.

નેતાઓ પોતાના પગે પડવા માંગતા લોકોને ખુબ પસંદ કરે છે. અને આવી બાબતોને પ્રોત્‍સાહન આપતા હોય છે. પરંતુ આ સમાજના લોકતંત્ર વિરૂધ્‍ધનું કાર્ય છે. ર૦ લાખથી વધુ લોકો જેઓ ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે ગયા બાદ કાયમી ધોરણે વિદેશમાં દેશનો પૈસો લઇને ભાગી ગયા છે તેમણે આ દેશને હવે રહેવા લાયક રાખ્‍યું જ નથી તેવુ પણ ઉદીત રાજ માને છે.

આગામી ૧લી ડિસેમ્બરે આ રેલી કેવી હલચલ સર્જે છે તે જાવુ રહયું.

(12:09 PM IST)