હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વંથલીનાં ગાદોઈ ટોલ નાકા હુમલા કેસમાં તત્કાલીન પીઆઈ આર. એ. ભોજાણી જેલ હવાલે
સુપ્રીમની ગાઈડલાઈન મુજબ હાજર થયા બાદ ધરપકડ પોલીસે કરી'તી, પોલીસ રિમાન્ડની માગણી ફગાવી વંથલી કોર્ટે જેલમાં મોકલવાનો હુકમ કર્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૧ : વંથલી પાસેના ગાદોઈ ટોલ નાકા કેસમાં વંથલી કોર્ટે પોલીસ રિમાન્ડની માગણી ફગાવી ગઈ કોડીનારનાં તત્કાલીન પીઆઈ આર. એ. ભોજાણીને જેલહવાલે કરવાનો હુકમ કરતા પોલીસે જેલમાં મોકલી આપ્યા હતા.
વંથલી નજીક કેશોદ રોડ પર આવેલ ગાદોઈ ટોલનાકા ખાતે ગત તા. ૩૦ જૂનના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના તે વખતના પીઆઇ આર. એ. ભોજાણીને પસાર થવા મુદ્દે ટોલનાકાના કર્મચારી સાથે બોલાચાલી થઇ હતી.
બાદમાં ભોજાણી સહિતના ૨૦ થી ૨૨ શખ્સએ ટોલ નાકાના કર્મચારી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટનાને લઈને પીઆઈ ભોજાણી સહિતનાઓ વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ વગેરે કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ત્યારબાદ ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ આર. એ. ભોજાણીને સસ્પેન્ડ કરી દીધા હતા. આ કેસમાં ભોજાણી ઘટનાના સમયથી ફરાર રહેતા તેમની સામે તપાસનીશ કેશોદના ડીવાયએસપી બી. સી. ઠક્કરે વંથલી કોર્ટમાં અરજી કરતા અદાલતે ભાગેડુ જાહેર કર્યા હતા. દરમિયાન ઘટનાના પાંચ મહિના બાદ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મંગળવારે તત્કાલીન પીઆઇ ભોજાણી વંથલી કોર્ટ સમક્ષ હાજર થતા પોલીસે ધરપકડ કરી હતી.
દરમિયાન પોલીસ દ્વારા બુધવારે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે ભોજાણીને વંથલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ અદાલતે રિમાન્ડની માગણી નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.
તપાસનીશ ડીવાયએસપી બી. સી. ઠક્કરે જણાવ્યું હતું કે, ગાદોઇ ટોલનાકા કર્મચારી પરના હુમલા કેસમાં કોડીનારના તત્કાલીન પીઆઇ આર. એ. ભોજાણીને ધરપકડ બાદ તેઓને ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે વંથલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે રિમાન્ડ રિજેક્ટ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય નાસતા ફરતા આરોપીઓને પકડવાના બાકી હોય અને વધુ તપાસ માટે ભોજાણીની રિમાન્ડ જરૂરી હતા. હવે ભોજાણીના રિમાન્ડ માટે ઉપલી કોર્ટમાં રિવિઝન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
