<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

પરિક્ષામાં ડમી વિદ્યાર્થી તરીકે બેસવા ખોટુ આઇકાર્ડ બનાવવાના કેસમાં પકડાયેલ આરોપીઓનો છુટકારો

૧૨ વર્ષ પહેલા મોરબીની એલ.ડી.ઇ. કોલેજમાં લેવાયેલ પરિક્ષા સંદર્ભે ગુનો દાખલ થયેલ હતો

રાજકોટ તા.૨૧: બાર વર્ષ જુના પરિક્ષામાં ડમી વિધાર્થી તરીકે બેસવા માટે બનાવટી ખોટું આઈ કાર્ડ બનાવવાનાં કેસમાં આરોપીઓને નિદોર્ષ છોડી મુકવાનો મોરબી કોર્ટે હુકમ કર્યો હતો.

મોરબીની એલ. ડી.ઈ. કોલેજમાં સને ૨૦૧૨ની સાલમાં બી. ઈ. પ્રથમ વર્ષની પરિક્ષામાં આરોપી નં. ૧ આદિત્‍ય ડાયાભાઈ ધોળકીયાની જગ્‍યાએ આરોપી ન. ૨ મનહર રૂડાભાઈ શિગોડ ડમી વિદ્યાર્થી તરીકે પરિક્ષા આપવા માટે વિશ્વાસઘાત / ઠગાઈ કરવાના હેતુથી આરોપી નં. ૧ ના એ પોતાનો ફોટો કાઢી તેની જગ્‍યાએ આરોપી નં. ૨ નો ફોટો ચોટાડી છેડછાડ કરી વિશ્વાસઘાત / ઠગાઈ કરી ગુનો કરવામાં એક બીજાને મદદગારી કરી આઈ.પી.સી. ની કલમ- ૪૦૬, ૪૬૫, ૪૬૮,૪૭૧ અને ૧૧૪ મુજબના ગુનાઓ કરેલ છે એ મતલબની ફરીયાદ મોરબી સીટી પોલીસ સ્‍ટેશન માં એ સમયના પ્રિન્‍સીપાલ શ્રી પંકજભાઈ ચીમનલાલ વસાણીએ નોંધાવેલ. તપાસ કરનાર પોલીસ અધિકારીએ જરૂરી પંચનામાઓ કરી બનાવટી આઈ કાર્ડ તથા અન્‍ય દસ્‍તાવેજો કબજે કરી અને સાહેદોના નિવદનો નોંધી તપાસના અંતે આરોપીઓ વિરૂધ્‍ધ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ હતું.

આ કેસમાં બન્ને આરોપીઓ વતી રાજકોટ નાં એડવોકેટ શ્રી અશ્વિન જે પોપટ રોકાયેલ હતા. તેઓએ પોતાની દલીલમાં જણાવેલ કે ફરીયાદીએ પોતાની ફરીયાદમાં જણાવેલી હકીકતો કરતા પોતાની જુબાનીમાં વિશેષ હકીકતો જણાવેલી છે. સાહેદોએ આરોપીઓન ઓળખી બતાવેલ નથી. ફરીયાદી પિન્‍સીપાલ શ્રી પંકજભાઈ ચીમનલાલ વસાણીએ બન્ને આરોપીઓ પાસેથી એ મતલબની કબુલાત લખાવી લીધેલી કે સદરહું ગુનાઓ તેઓએ કરેલ છે. આવી કબુલાત કાયદાના પ્રસ્‍થાપીત સિધ્‍ધાંતો અન્‍વયેની કબુલાતો નથી. આ કબુલાતો બન્ને આરોપીઓને પ્રલોભનો આપીને લેવામાં આવેલ છે. આથી સદરહુ કબુલાતો પુરાવામાં ગ્રાહય રાખી શકાય નહી. કોઈ સ્‍વતંત્ર સાહેદોનાં નિવેદનો લેવામાં આવેલ નથી. આ રીતે ફરીયાદ પક્ષે પોતાનો કેસ દરેક પ્રકારની શંકાથી પર રહી સચોટ, વિશ્વસનીય, માનવાલાયક પુરાવાઓ આધારે કેસ સાબીત કરવાનો હોય છે. પરંતુ ફરીયાદ પક્ષ તેમ કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય આરોપીઓને સજા કરી શકાય નહી.

ઉપરોક્‍ત સરકારશ્રી તરફે રજુ થયેલ સાહેદો ની જુબાની અને દસ્‍તાવેજો ધ્‍યાનમાં લઈને અને બન્ને આરોપીઓ વતી થયેલી રજુઓતો ને ધ્‍યાનમાં લઈને અને કાયદાકીય પ્રબંધોને અને હાઈકોર્ટનાં જજમેન્‍ટોને ધ્‍યાનમાં લઈને મોરબી કોર્ટનાં એડી. ચીફ જયુ, મેજીસ્‍ટ્રેટ ડી.કે. ચંદનાણી એવા નિષ્‍કર્ષ ઉપર આવેલ કે, કેસનાં સાહેદોના પુરાવામાં અનેક ત્રુટીઓ માલુમ પડે અને અનેક વિરોધાભાસી હકીકત નીકળી આવે ત્‍યારે સચોટ અને વિશ્વીસ્‍નીય પુરાવો ગણાય નહીં અને તેવા અધકચળા પુરાવાના આધારે આરોપીઓને સજા કરી શકાય નહી. આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદ કરી તેમને સંડોવી દેવા પ્રયત્‍ન કરવામાં આવેલ હોય તેવી સંભવનાને નજર અંદાજ કરી શકાય નહીં. આરોપીઓને આ રીતે બન્ને આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકવાનો હુકમ કરવામાં આવે છે.

આ કેસમાં બન્ને આરોપીઓ આદિત્‍ય ડાયાભાઈ ધોળકીયા અને મનહર રૂડાભાઈ શિગોડના એડવોકેટ તરીકે રાજકોટનાં એડવોકેટ શ્રી અશ્વિન જે. પોપટ, કલ્‍પેશ એન. વાઘેલા અને મોરબીના અશોક ખુમાણ રોકાયેલ હતા.

(2:34 PM IST)