<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ચાલક અને હોટલ સંચાલક સાથે મળીને ઇંધણની ચોરી કરી સસ્‍તામાં

વેંચી દેવાનું કૌભાંડ : રાજકોટના ૩ સહિત ૬ શખ્‍સોની ધરપકડ લીંબડીના કટારીયા પાસે હોટલ ક્રિષ્‍ના કાઠીયાવાડીમાં એસઓજીનો દરોડોઃ ૪૯રર૦ લીટર ડીઝલ સહિત બે ટેન્‍કર કબ્‍જે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૨૩:  લીંબડી તાલુકાના પાણસીણાની ક્રિષ્‍ના કાઠીયાવાડી હોટલ ઉપરથી ગેરકાયદેસર પેટ્રોલ/ડીઝલનો જથ્‍થો ચોરી કરતા છ ઇસમો બે ટેન્‍કર સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી. પોલીસ ટીમે આ છ આરોપીઓને પેટ્રોલ, ડીઝલ, બે ટેન્‍કર અને મોબાઈલ મળી કુલ રૂ. ૮૭,૫૪,૬૪૯.૮૦ના મુદામાલ સાથે દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પડ્‍યાંની  સૂચનાથી પીઆઇ બી.એચ.શીંગરખીયાને  બાતમી મળી હતી કે, અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર આવેલા કટારીયા ગામના બોર્ડથી આશરે એકાદ કી.મી. ડાબા હાથ ઉપર આવેલી રવિરાજભાઇ હરિસંગભાઇ ચૌહાણ (રહે.ભાડુકા તા.સાયલાવાળા)ની કબજા ભોગવટાની ક્રિષ્‍ના કાઠીયાવાળી હોટલના પાછળના ભાગે આવેલા કંપાઉન્‍ડમા પોતાના મળતીયા માણસો રાખી હાઇવે ઉપર આવતા-જતા પેટ્રોલ/ડીઝલ ભરેલા ટેન્‍કરોમાંથી પેટ્રોલ/ડીઝલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવળતી કરે છે.

જે બાતમી આધારે રેઈડ કરી  ડીઝલ લીટર- ૪૯,૨૨૦ કિ.રૂ. ૪૪,૬૩,૭૬૧તથા પેટ્રોલ ૨૮૦૦ લીટર જેની કિ.રૂ. ૨,૬૫,૮૮૮ તથા અન્‍ય મુદામાલ જેમા ટેન્‍કર નંગ-૨ તથા મોબાઇલ નંગ-૩  સાથે ગેરકાયદેસર રીતે ટ્રાન્‍સ્‍પોર્ટના માલીકની ટેન્‍કરમાંથી ડીઝલ જેવા પ્રવાહીની ચોરી કરી તેમજ હોટલ સંચાલક આરોપીએ અત્‍યંત જ્‍વલનશીલ પદાર્થનો કોઇપણ પ્રકારની સુરક્ષા વિના ચોરી કરેલ પ્રવાહીનો સંગ્રહ કરી રેઇડ દરમ્‍યાન મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે પાણસીણા પો.સ્‍ટેમા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દરોડામાં  પીએસઆઇ એન.એ.રાયમા, અનિરૂધ્‍ધસિંહ મહિપતસિંહ, અશ્વિનભાઇ ઠારણભાઇ, રવિરાજભાઈ મેરૂભાઇ ખાચર, બળદેવસંગ અમરસંગ ડોડીયા અને બળભદ્રસિંહ નરેન્‍દ્રસિંહ સહિતનો પોલીસ સ્‍ટાફ પણ સાથે હાજર હતો.

કટારીયા ગામના પાટિયા પાસે હોટલમાં ઓઇલ કંપનીના ટેન્‍કરમાંથી ડીઝલ-પેટ્રોલની ચોરી કરી ચોરી કરેલું ડીઝલ-પેટ્રોલ બજાર કિંમત કરતા ઓછી કિંમતે વેચી દેવાના ચાલતા કૌંભાડનો એસ.ઓ.જી. પોલીસે દરોડા પાડીને પર્દાફાશ કર્યો હતો.  ચોરાઉ ડીઝલ-પેટ્રોલને સસ્‍તા ભાવે વેચી દેવામાં આવતું હતું.

ઝડપાયેલ આરોપીઓ (૧) ભાર્ગવભાઈ પ્રતાપભાઈ ડાંગર (ઉ.વ.૨૮, રહે.રાજકોટ,ચાલક) (૨) ઈન્‍દ્રજીતભાઈ રાયધનભાઈ વિરડા (ઉ.વ.૨૩, રહે.રાજકોટ) (૩) માવજીભાઈ કાનાભાઈ ડાંગર (ઉ.વ.૫૦, રહે.માધાપર, રાજકોટ) (૪) અજયકુમાર શ્રીરામકુમાર યાદવ (ઉ.વ.૨૪, રહે.ખાવડી ગુપ્તા કોલોની, જામનગર, ડ્રાઈવર) (૫) અભિષેક રામનયન યાદવ (ઉ.વ.૨૧, રહે.ખાવડી ગુપ્તા કોલોની, જામનગર, ક્‍લીનર) અને (૬) રવિરાજભાઈ હરિસંગભાઈ ચૌહાણ (હોટલ ક્રિષ્‍ના કાઠિયાવાડીના માલિક ઉ.વ.૩૨, રહે.ભાડુકા તા.સાયલા)ને ઝડપી લીધા હતા.

કેવી રીતે ચાલતું હતું કૌભાંડ

ડીઝલ-પેટ્રોલ ચોરીનું કૌભાંડ સુવ્‍યવસ્‍થિત રીતે ચલાવવામાં આવતું હતું. ઓઇલ કંપનીનો ટ્રક ડીઝલ-પેટ્રોલ ભરીને સપ્‍લાય કરવા નીકળે અને હોટલ પર જ્‍યાં રેડ પડી ત્‍યાં હોલ્‍ટ કરવા ઉભો રહે એટલે ટોળકી દ્વારા વાલ્‍વમાં સળિયો નાખી તેમાંથી ડીઝલ-પેટ્રોલ ચોરી લેવામાં આવતું હતું અને પછી તેનું વેચાણ પણ કરી દેવાતું હતું. આ કૌભાંડમાં કંપનીના ડ્રાઈવરોની સંડોવણીની પણ શકયતા રહેલી છે.

બે-ત્રણ મહિનાથી ચાલતો

 હતો ગોરખધંધો

એસ.ઓ.જીના દરોડા બાદ જાણવા મળ્‍યું છે કે ડીઝલ-પેટ્રોલ ચોરીનો આ ગોરખધંધો છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહ્યો હતો અને દરરોજનું ડીઝલ-પેટ્રોલ ચોરીને તાત્‍કાલિક તેનું વેચાણ પણ કરી દેવામાં આવે તેની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જ્‍યાં રેડ પડી ત્‍યાં દરરોજ મોટી સંખ્‍યામાં ટ્રકની અવર-જવર રહેતી હોય ડીઝલ-પેટ્રોલ ચોરીને અન્‍ય ટ્રક ચાલકોને સસ્‍તા ભાવે વેચી દેવાનું મોકળું મેદાન મળ્‍યું હતું.

(12:20 PM IST)