<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

રાજકોટના જેતપુર નજીક આવેલ પીઠડીયા ટોલ નાકાનો ચાર્જ બમણાથી વધારે ઝીંકાયો: વાહન ચાલકોમાં રોષ

રાતારોત દોઢ ગણા ભાવ વધારાનો ઉગ્ર વિરોધ: 24 કલાકમાં ભાવ વધારો પરત ખેંચવા માગ

રાજકોટ: રાજકોટના જેતપુર નજીક આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા રાતોરાત દસ રૂપિયામાંથી 25 રૂપિયા ટોલ ચાર્જ કરી દેવામાં આવ્યો છે. દોઢ ગણા ભાવ વધારો કરતા જેતપુર ચેમ્બર્સ તેમજ ડાઇંગ એસોસિએશને ટોલ પ્લાઝાએ જઈ 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. તેમજ ભાવ વધારો પરત નહીં ખેંચાય તો દરેક સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. 

આ અંગે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ છગનભાઈ ઉસદડિયાએ જણાવેલ કે, હાલમાં જેતપુરથી રાજકોટ સુધી 6 લેન રોડનું કામ ચાલુ છે. ત્યારે ટોલ ટેક્ષના ભાવ વધારો કોઈ રીતે યોગ્ય નથી. જેતપુરથી રાજકોટ વચ્ચે પીઠડીયા અને ભરૂડી એમ બે ટોલ પ્લાઝા આવે છે અને આ બંને વચ્ચે 36 કિમીનું અંતર છે. જે હાઇવે ઓથોરીટીના 60 કિમીમાં એક જ ટોલ નાકું હોવું જોઈએના નિયમની વિરુદ્ધનું છે એટલે પીઠડીયા ટોલ નાકું હોવું જ ન જોઈએ. ભાવ વધારો 24 કલાકમાં પાછો ખેંચવામાં આવે તેવી અમારી માંગ છે. 

જેતપુર તાલુકાના વાહન ચાલકોને લોકલ ગણી તેમની પાસેથી આજીવન પાંચ રૂપિયા ટોલ વસુલવાની સમજૂતી થઈ હતી. પરંતુ ટોલ પ્લાઝા દ્વારા સમજૂતી તોડીને 5 રૂપિયામાંથી 7 રૂપિયા 10 રૂપિયા ભાવ વધારો કર્યો અને હવે સીધો દોઢ ગણો વધારો ઝીંકી 25 રૂપિયા કરી નાખ્યો તે કોઈ રીતે ચલાવી લેવામાં નહિ તેમ જણાવ્યુ છે.

(5:54 PM IST)