<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

આમરણના ફડસર ગામે ૧ કરોડના ખર્ચે બનેલી હાઇટેક સરકારી શાળાનું લોકાર્પણ : દાતા પરિવારના અમેરિકા સ્‍થિત ૬ર સભ્‍યોની હાજરી

  (મુકેશ પંડયા દ્વારા)આમરણ તા.ર૬ ચોવીસી પંથકના ફડસર ગામે લાઇફ ગ્‍લોબલ કેલીફોર્નિયા(યુ.એસ.) અંતર્ગત મુખ્‍યદાતા મનીષભાઇ પટેલ, ચંદ્રકાંતભાઇ પટેલ પરિવાર(યુ.એસ.)ના સહયોગથી અંદાજે રૂપિયા ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત હાઇટેક સુવિધાઓથી સજજ સરકારી પ્રાથમિક શાળાનો શશીચંદ્ર પ્રાથમિક શાળા-ફડસર નામાભિધાન સાથે પરિવારજનોના હસ્‍તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સમસ્‍ત ફડસરના ગ્રામજનોના ઉપક્રમે ધામધુમપૂર્વક યોજાયેલ આ પ્રસંગે  અતિથિ વિશેષપદે મોરબી પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા, લાઇફ સંસ્‍થાના મેને.ટ્રસ્‍ટી શશીકાંત કોટિચા, ફાઉન્‍ડર કિરીટભાઇ વસા, કાનજીભાઇ ડાંગર, મોરબી જી.પ્રા.શિક્ષક સંધના પ્રમુખ દિનેશભાઇ હુંબલ હાજર રહયાં હતાં.

મુખ્‍યત્‍વે આહિર સમાજની બે હજાર વસતી ધરાવતા ફડસર ગામે આર્થિક સામાજીક શૈક્ષણિક પછાતવર્ગના બાળકો આધુનિક સુવિધાથી સજજ શિક્ષણ મેળવી પ્રગતિ સાધે તેવા ઉમદા આશયથી શાળામાં સ્‍માર્ટકલાસ, સીસીટીવી, રમતગમત-સંગીતના સાધનો અને ટોઇલેટ સહિતની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

આ પ્રસંગે સમસ્‍ત ગ્રામજનો દ્વારા ભાતીગળ પોશાકમાં સજજ થઇ વિદેશી મહેમાનોને શણગારેલા બળદગાડામાં અને ટ્રેકટરમાં બેસાડી ડીજેના તાલે વાજતેગાજતે અદકેરૂં સામૈયું કરવામાં આવ્‍યું હતું.

ફડસર ગામના યુવા સરપંચ ભરતભાઇ કુંભરવાડિયા, અગ્રણી ભરતભાઇ ડાવેરા, બાબુભાઇ ગરચર, હકાભાઇ કુંભરવાડિયા વગેરેએ વિદેશી મહેમાનોનું શાલ ઓઢાડી, મોમેન્‍ટો અર્પણ કરી સ્‍વાગત કર્યુ હતું.

સમસ્‍ત આહિર સમાજના વરિષ્‍ઠ શ્રેષ્‍ઠીઓ જીવણભાઇ કુંભરવાડીયા, અમુભાઇ હુંબલ, મુળુભાઇ કુંભરવાડીયા, ભગવાનજીભાઇ કુંભરવાડીયાએ હાજરી આપી દાતા પરિવારની ફડસર ગામ પ્રત્‍યેનો અપ્રતિમ લાગણીને બીરદાવી હતી.

મુખ્‍યદાતા મનીષભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, મારા સદ્‌ગત પિતા ચંદ્રકાંતભાઇ અને સદ્‌ગત કાકા શશીકાંતભાઇ બંને ભાઇઓ શિક્ષણ પ્રેમને સમર્પિત હતાં. પ્રેમ સમતા કરૂણા શાંતિ પરિશ્રમ એવા જૈન ધર્મના ગુણોને સાર્થક કરનારા સ્‍વજનોની સ્‍મૃતિ કાયમ રહે તે માટે શશીચંદ્ર પ્રાથમિક શાળા નામાભિધાન સાથે આ ભવન અર્પણ કરતા ગૌરવ અનુભવુ છું.

લાઇફ સંસ્‍થાની વિસ્‍તૃત માહિતી આપતા મેને.ટ્રસ્‍ટી શશીકાંત કોટિચાએ જણાવ્‍યું હતું કે દાતા મનીષભાઇ પટેલની વડપણ હેઠળની આ સંસ્‍થા દ્વારા સન ર૦૦૧ થી આજ દિવસ સુધીમાં આ ૧૧૦ મી શાળા લોકાર્પણ કરવામાં આવી છે. મોરબી જીલ્લામાં જ ૩૮ શાળાઓ લોકાર્પણ કરવામાં આવી છે. આ પ્રસંગે શાળાની બાળાઓએ સાંસ્‍કૃતિક કાર્યક્રમ દ્વારા મહેમાનોને મંત્રમુગ્‍ધ કર્યા હતાં. આ તકે સમસ્‍ત ગામનો સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો હતો.

સરપંચ ભરતભાઇ કુંભરવાડીયા તેમજ મુળુભાઇ કુંભરવાડીયાની આગેવાની હેઠળ યુવાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઋષિકેશભાઇ પંડયા તેમજ મોહનભાઇ જીલરીયાએ કર્યુ હતું.

દાતા પરિવારના ૬ર સભ્‍યોએ છેક અમેરિકાથી ફડસર ગામે પ્રસંગમાં હાજરી આપી રંગારંગ કાર્યક્રમને માણ્‍યો હતો. આહિર સમાજનો અનેરો ઉત્‍સાહી મીઠો આવકાર અને કાઠિયાવાડી વ્‍યંજનોથી વિદેશી મહેમાનો અભિભૂત થયાં હતાં.

(10:01 AM IST)