<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ગઢડા (સ્વામી )ના અડતાળા ગામે લગ્નના 20 દિવસ પહેલા જ યુવતીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

યુવતીએ સગાઈ મંજૂર ન હોવાના ઉલ્લેખ સાથેની સ્યુસાઈડ નોટ લખી પોતાના ઘરે જ વહેલી સવારે પંખા સાથે દોરડાં વડે આત્મહત્યા કરી

બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) તાલુકાના અડતાળા ગામે રહેતી યુવતીએ તેના લગ્નના 20 દિવસ પહેલાં જ આપઘાત સ્યૂસાઈડ કર્યો છે,યુવતીએ સગાઈ મંજૂર ન હોવાના ઉલ્લેખ સાથેની સ્યુસાઈડ નોટ લખી પોતાના ઘરે જ વહેલી સવારે પંખા સાથે દોરડાં વડે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગઢડાના અડતાળા ગામે રહેતા મૃતક યુવતીના બાપુજી કિરીટભાઇ ગોરધનભાઈ ગોટીએ પોલીસ વિગતમાં જાહેર કર્યા મુજબ, મૃતક ચાંદનીબેન મહેશભાઈ ગોટી (ઉં.વ.19)ના માતા ગીતાબેન સાત વર્ષ પહેલા તથા પિતા મહેશભાઈ ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. મૃતક યુવતી તેના બાપુજી કિરીટભાઈ સાથે અડતાળા ગામે રહેતા હતા.

આ દરમિયાન ગઈકાલે સવારના સાડા છ વાગ્યાના સમયે કિરીટભાઈ તથા તેમના પત્ની લીલાબેન અને માતા જીવીબેન ઘરે હાજર હતા. તે વખતે માતા જીવીબેને કહેલ કે ચાંદની તેના રૂમમાં નથી. જેથી બધા રૂમમાં તપાસ કરતા છેલ્લા રૂમમાં પંખા સાથે દોરી બાંધેલી લટકતી હાલતમાં ચાંદની જોવા મળી હતી. પરિવારે બેશુધ્ધ અવસ્થામાં ચાંદનીબેનને નીચે ઉતારી કુટુંબી ભાઈ વિગેરેને બોલાવી એમ્બ્યુલન્સમાં ગઢડા સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ ઉપર હાજર તબીબે યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મહત્ત્વનું છે કે, મૃતકે મોબાઈલમાં સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં મૃતકે આ સગાઈ ગમતી નહીં હોવા બાબતની ક્યારેય ઘરે પરિવારના કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરેલ હોવાનું તેમજ તેના મોત બાબતે કોઈના ઉપર વહેમ શંકા નહીં હોવાનું પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.

(11:28 AM IST)