<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

મોરબીના પાટીદારો સ્વરક્ષણ માટે હથિયાર રાખવા માગશે લાઈસન્સ

પાટીદારો પરના અત્યાચાર અટકવવા અને સ્વરક્ષણ માટે પાટીદારો કાલે કલેકટરને આપશે આવેદન

મોરબીઃ મોરબીનો પાટીદાર સમાજ ઔદ્યોગિક, ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે, પરંતુ હમણાંથી પાટીદાર યુવાનો ઉપર યેનકેન પ્રકારે દબાવા ધમકાવીને અત્યાચારોના બનાવો વધી રહ્યા છે. આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવવું જરૂરી છે આ હેતુથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી છે. આ સંગઠન હેઠળ પાટીદાર યુવાનો કલેકટર સમક્ષ સ્વરક્ષણ માટે હથિયારનું લાઈસન્સ માગશે.

 

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ સુશિક્ષિત થઈને ખૂબ જ આગળ વધી રહ્યો છે. પણ અમુક લેભાગુ તત્વો પાટીદારો ઉપર અત્યાચાર આચરીને પાટીદારોની પ્રગતિ અવરોધે છે, જેમાં મોરબી જિલ્લાના પાટીદાર સમાજ દીકરા દીકરીઓ ઉપર થતા અન્યાય, અત્યાચાર જેવા કે વ્યાજના વિજચક્રમાં ફસાવી જીવવું હરામ કરી દેવું, ડરાવવા, ધમકાવવા, અપહરણ કરી માર મારવા, હત્યાઓ કરવી, આપઘાત માટે ફરજ પાડવી સહિતના બનાવો વધી રહ્યા છે.

પાટીદારો ઉપર થઈ રહેલા અત્યાચાર સામે કાયદાકીય રીતે લડત ચલાવવાના એકમાત્ર હેતુથી પાટીદાર યુવા સંઘની રચના કરવામાં આવી છે. આથી પાટીદાર યુવા સેવા સંઘના મિત્રોને સ્વરક્ષણ માટે પિસ્તોલની જરૂરિયાત હોય આ હથિયાર માટે લાઈસન્સ માંગવા માટેનું આવેદન આવતીકાલે જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને આપશે તેમ જણાવ્યું હતું.

(5:47 PM IST)