તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 28th November 2024
ભાવનગરના હાથબમાં બે દીકરીઓ પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દિવાસળી ચાંપ્યા બાદ માતા પોતે પણ ભડભડ સળગી
હાથબ બંગલા નજીકની એકવાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવીની પત્નીએ અગમ્યકારણોસર આત્યંતિક પગલું ભર્યું: ત્રણેયની હાલત ગંભીર : ભાવનગરમાં ICUમાં સારવાર

ભાવનગર જિલ્લાના હાથબમાં બે દીકરીઓને આગ લગાવ્યા બાદ મહિલાએ પોતે પણ અગ્નિસ્નાન કરીને મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના પગલે નાના એવા ગામમાં સોંપો પડી ગયો છે. હાલ તો ત્રણેયને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હાથબ ગામમાં આવેલા હાથબ બંગલા નજીકની એકવાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવીની પત્નીએ આજે સવારે અગમ્યકારણોસર આત્યંતિક પગલું ભર્યું હતુ. જેમાં મહિલાએ જ્વલનશીલ પ્રવાહી બે દીકરીઓ પર છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. જેના કારણે બન્ને દીકરીઓ ભડભડ સળગવા લાગી હતી. જે બાદ મહિલાએ પોતાના શરીર પર પણ પ્રવાહી છાંટીને આગ ચાંપી દીધી હતી.
આ ઘટનાની જાણ થતાં મહિલાનો પતિ તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેમણે તાત્કાલિક ત્રણેય પર લાગેલી આગ બુઝાવી હતી. જે બાદ સૌ પ્રથમ ત્રણેયને કોળિયાક CHC સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સઘન સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ભાવનગરની સરટી હોસ્પિટલમાં ત્રણેયની હાલત નાજુક હોવાથી તેમને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
