<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

સાવરકુંડલા લોહાણા મહાજનના પ્રમુખ,ભાજપ મહામંત્રી, આરએસએસના કાર્યકર સહીત ૩ આગેવાનો ઉપર જીવલેણ હુમલો : સાવરકુંડલા સજ્જડ બંધ

નજીકમાં રહેતા અમુક શખ્‍સો લોહાણા મહાજન વાડી સામે કામ કરતા મજુરો અને કારીગરો સાથે ગેરવર્તન કરતા સમજાવવા જતા હુમલો કર્યો : લોહાણા સમાજના અગ્રણી, મહાજન પ્રમુખ જગદીશ માધવાણી, ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચા, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સક્રિય કાર્યકર તેજસભાઇ રાઠોડ સહિતના ઇજાગ્રસ્‍તોને હોસ્‍પીટલ ખસેડાયા : ભાજપ અને લોહાણા સમાજના આગેવાનો, કાર્યકરો અને ડીવાયએસપી વલય વૈદ્ય હોસ્‍પીટલે દોડી ગયા

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા., ર૮:  સાવરકુંડલા ખાતે લોહાણા સમાજના અગ્રણી અને મહાજનના  પ્રમુખ, રામજન્‍મ ઉત્‍સવ સમીતીના અગ્રણી  જગદીશભાઈ માધવાણી, ભાજપના મહામંત્રી રાજેશભાઇ નાગ્રેચા, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સક્રિય કાર્યકર તેજશભાઇ રાઠોડ સહિતના આગેવાનો ઉપર માથાભારે શખ્‍સો દ્વારા હુમલો કરતા  ખળભળાટ મચી ગયો છે.

ઇજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સાવરકુંડલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. આ બનાવ બાદ આજે બપોરના ૧ર વાગ્‍યાથી સાવરકુંડલા ગામ સજ્જડ બંધ રહયું છે. હિન્‍દુ સમાજના આગેવાનો, ભાજપના આગેવાનો સહિતના લોકો ગામ બંધ રાખવા અપીલ કરતા વેપારીઓએ તેને સમર્થન આપ્‍યું છે અને ગામ બંધ રહયું છે.

બનાવ અંગે ઇજાગ્રસ્‍ત પાસેથી જાણવા મળતી વિગત મુજબ લોહાણા મહાજન વાડી ની સામે નગરપાલિકા દ્વારા લુહાર સમાજ અને લોહાણા સમાજ માટે ર્પાકિંગની જગ્‍યા ફાળવવામાં આવી છે જે જગ્‍યા નું રીપેરીંગ કામ ચાલી રહયું છે.

ત્‍યારે આજે  નજીકમાં રહેતા શખ્‍સો દ્વારા છેલ્લા પાંચેક દિવસથી કામ કરતા મજૂરો અને કારીગરો સાથે ગેરવર્તન કરતા હોય આજે મજૂરોએ મહાજનના પ્રમુખને આ બાબતની જાણ કરતાં મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી, ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચા સહીત ત્રણ આગેવાનો મહાજન વાડી ખાતે આ શખ્‍સોને સમજાવવા ગયા હતા.

ત્‍યારે  તેઓ ઉપર પાવડાના હાથા, ધોકા વડે  હુમલો કરવામાં આવ્‍યો હતો આ મારામારી ચાલી રહી હતી ત્‍યારે નજીકમાં જ દુકાન ધરાવતા રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સક્રિય કાર્યકર તેજસભાઈ રાઠોડ છોડાવવા જતા તેઓની ઉપર પણ હુમલો કરવામાં આવ્‍યો હતો.

રઘુવંશી સમાજના આગેવાનો ઉપર હૂમલો થયાની જાણ થતા શહેરમાંથી મોટી સંખ્‍યામાં રઘુવંશી સમાજ ઉપરાંત અન્‍ય સમાજના આગેવાનો, હિન્‍દુ સમાજના વિવિધ સંગઠનો , ભા જ પ આગેવાનો દોડી ગયા હતા અને હુમલો કરનારા શખ્‍સો સામે સખત પગલાં લેવા માંગ કરવામાં આવી હતી જ્‍યારે વિવિધ સમાજના આગેવાનોએ આજે ૧૨.૦૦ વાગ્‍યા બાદ સાવરકુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્‍યું છે બનાવ ની ગંભીરતા સમજી ડીવાયએસપી વલય વૈદ્ય સહિત પોલીસ કાફલો પણ હોસ્‍પીટલ ખાતે દોડી ગયો છે.

આ બનાવ બનતા લોહાણા સમાજ અને શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

(3:28 PM IST)