<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

માંગરોળની મચ્‍છીની કંપનીને ટંડેલનો ૩૧.૫૦ લાખનો ચૂનો

વલસાડના શખ્‍સે મકાન બનાવવા માટે કટકે કટકે નાણાં કટકટાવી લેતા પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮ : માંગરોળની મચ્‍છીની કંપનીને ટંડેલએ રૂપિયા ૩૧.૫૦ લાખનો ચૂનો ચોપડી દઈ છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થતા માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ કરી છે.

માંગરોળ બંદર વિસ્‍તારમાં રહેતા જલ્‍પેશભાઈ દામોદરભાઈ ચામુંડીયા ડીકે એન્‍ડ કંપની નામની મચ્‍છીની કંપની ધરાવે છે.

તેઓએ વલસાડ જિલ્લાના ખતલવાડ ગામનો જયેશ મંગળ માછી નામના શખ્‍સને ટંડેલ તરીકે માસિક રૂ. ૫૦૦૦૦ના પગારથી રાખેલ હતો.

 બાદમાં જયેશએ જલ્‍પેશભાઈને વિશ્વાસમા લઇ મકાન બનાવવા માટે કટકે-કટકે કુલ  રૂ. ૪૩.૫૦ લાખ રૂપીયા એડવાન્‍સમાં લીધા હતા અને આ પછી ડી.કે. એન્‍ડ કંપનીમાં કુલ ચોવીસ મહિના સુધી ટંડેલ તરીકે નોકરી કરી હતી.

 તેના નિકળતાં રૂ. ૧૨ લાખ વાળતાં જલ્‍પેશભાઈના રૂપિયા ૩૧.૫૦ લાખ બાકી નિકળતાં હોવા છતાં ડી.કે. એન્‍ડ કંપનીમાં ટંડેલ તરીકે કામ કરવા નહી આવી અને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી સાથે  રૂ. ૩૧.૫૦ લાખની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ જલ્‍પેશ ચામુડીયાએ કરતા માંગરોળ મરીન પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. વધુ તપાસ એએસઆઇ આર. જી. ગરેજા ચલાવી રહ્યા છે.

(12:30 PM IST)