<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

રહેણાંક મકાન અંગેના કરાર પાલનના દાવામાં મનાઇ હુકમની અરજી નામંજુર

રાજકોટ, તા.૨૮: રહેણાંકના મકાન અંગેના કરારના વિશિષ્ટ પાલનના દાવામાં મનાઈ હુકમ મળવાની અરજી રદ કરી હતી.

આ અંગેની હકીકત એવી છે કે, મહિકા ગામના રહેવાસી લીલાબેન કિશોરભાઈ રાઠોડે રાજકોટની સીવીલ કોર્ટ સમક્ષ એવો દાવો કરેલ કે રાજકોટ શહેરમાં સમાવિષ્ટ ગામ મહિકાના પાટીયે આવેલ શ્‍યામકિરણ સોસાયટીમાં આવેલ મકાન તેઓના જેઠાણી કંચનબેન કિશોરભાઈ રાઠોડે તેઓ સાથે નોટરી રુબરુ સમજુતી કરાર કરી વેચાણ આપવા કરાર કરેલ છે અને કરાર મુજબ આઈસીઆઈસીઆઈ બેંકની લોન ભરપાઈ થઈ ગયેલ હોવા છતાં વેચાણ દસ્‍તાવેજ કરી આપતા નથી. જેથી કરાર મુજબ મકાનનો વેચાણ દસ્‍તાવેજ કરી આપે તેમજ આ દાવો ચાલતા દરમ્‍યાન અન્‍યને વેચાણથી કે અન્‍ય રીતે ટ્રાન્‍સફર ન કરે તેવો મનાઈ હુકમ માંગેલ હતો.

આ અંગે કંચનબેન રાઠોડ અને તેમના પતિ કિશોરભાઈ રાઠોડ તરફથી રાજકોટના નિલેશ જી. પટેલ એડવોકેટ હાજર થઈ કોર્ટ સમક્ષ એવી રજુઆતો કરેલ કે લીલાબેન રાઠોડ તથા તેમના જેઠાણી કંચનબેન રાઠોડ એટલે કે કરારના પક્ષકારો વચ્‍ચે થયેલ સમજુતી કરારમાં વેચાણ આપવા અંગેના કાયદા મુજબના કોઈ તત્‍વો ફલીત થતા નથી. ટ્રાન્‍સફર ઓફ પ્રોપર્ટી એકટની જોગવાઈઓ મુજબ કરારનું પાલન કરાવી શકાય તેવો વેલીડ કરાર નથી. દાવાવાળું રહેણાંકનું મકાન કંચનબેન રાઠોડ તથા તેમના પતિ કિશોરભાઈ રાઠોડ બન્નેની સંયુક્‍ત માલીકીનું હોય ત્‍યારે કરારમાં પણ બન્ને પક્ષકારોની સહી સંમતી હોવી જરૂરી છે.

મિલકતના એકથી વધારે માલીકો હોય ત્‍યારે તમામ માલીકોની સંમતીથી જ વેચાણ આપવા કરાર કરી શકાય. વાદી તરફથી જે દાવો લાવવામાં આવેલ છે તે દાવો જ મંજુર થવાના કોઈ સંજોગો કે પ્રથમ દર્શનીય પુરાવા ન હોય ત્‍યારે મનાઈ હુકમ આપી શકાય નહિં.

આ કામે પ્રતિવાદીઓ કંચનબેન રાઠોડ તથા તેમના પતિ કિશોરભાઈ રાઠોડ તરફથી કોર્ટ સમક્ષ થયેલ કાયદાકીય રજુઆતો ધ્‍યાને લઈ રાજકોટના એડી. સીવીલ જજ સી.સી. ગોંડલીયાએ વાદીની મનાઈ હુકમ મળવાની અરજી રદ ઠરાવેલ છે.

આ કામમાં પ્રતિવાદીઓ કંચનબેન રાઠોડ તથા તેમના પતિ કિશોરભાઈ રાઠોડ તરફથી રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ, ગીરીરાજસિંહ જાડેજા, રેખાબેન ઓડેદરા, રીધ્‍ધીબેન પીલોજપરા તથા સહાયક તરીકે દિપાલીબેન નકુમ રોકાયેલા હતા.

(2:27 PM IST)