News of Thursday, 28th November 2024
મોરબીમાં આધાર કેન્દ્રો બહાર કડકડતી ઠંડીમાં સવારે 6 વાગ્યાથી અરજદારો લાઈનમાં ઉભા રહેવા મજબૂર
ચા પીધા વિના લાઈનમાં ઉભા રહીએ પછી 10 થી 20 ટોકન આપીને બીજા દિવસે આવવાનું જણાવી દેવામાં આવતું હોવાની અરજદારોની ફરિયાદ: ભારે હાલાકી

મોરબી : કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત બન્યું છે. બાળકોને શાળામાં પ્રવેશ લેવાનો હોય કે બેંકમાં ખાતું ખોલાવવું હોય, શિષ્યવૃતિનો લાભ મેળવવો હોય તમામ માટે આધારકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી આધારકાર્ડમાં નામમાં સુધારો કરાવવા તેમજ નવું આધાર કાર્ડ મેળવવા માટે અરજદારોનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મોરબીમાં આધાર કેન્દ્રો પર આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબી શહેરમાં, તાલુકા પંચાયતની કચેરી, પોસ્ટ ઑફિસ અને મામલતદાર કચેરી સહિત 10 ઠેકાણે આધાર કાર્ડમાં સુધારા-વધારાની કામગીરી ચાલી રહી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે 5 વાગ્યાથી અરજદારો આધાર કેન્દ્રોની બહાર લાઈનમાં લાગી જાય છે. આમ છતાં તેમના કામ ના થતા હોવાની ફરિયાદ ઉઠી છે.
આ અંગે આધારકાર્ડમાં સુધારા-વધારા કરાવવા આવેલા અરજદાર કોકિલાબેને પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે, હું છેલ્લા 4 દિવસથી સવારે 6 વાગ્યે ઉઠીને ચા પીધા વિના અહીં આવીને લાઈનમાં ઉભી રહી જાઉ છું. અહીં દરરોજના 10 થી 20 ટોકન આપીને બંધ કરી દેવામાં આવે છે અને બીજા દિવસે આવવાનું જણાવવામાં આવે છે.
આથી બીજા દિવસે પણ અમે વહેલી સવારે ઘરના તમામ કામ પડતા મૂકીને અહીં આવીને લાઈનમાં લાગી જઈએ છીએ. અમે કારખાનામાં મજૂરી કરીને પેટીયું રળીએ છીએ, એટલે અહીં આવવા માટે દહાડો પાડવો પડે છે. આમ છતાં 4 દિવસથી અમારો વારો નથી આવી રહ્યો. મારે માત્ર મોબાઈલ નંબર બદલાવવાનો છે, જ્યારે મારા છોકરાને આધાર કાર્ડમાં ફેરફાર કરાવવાનો છે. જો કે હજુ સુધી તે થઈ શક્યું નથી.
રાજકોટમાં પણ છેલ્લા એક મહિનાથી અરજદારો આધાર કેન્દ્રો પર ધક્કા ખાતા હતા. ઓપરેટરની અછત અને સર્વરમાં ખામીના કારણે કામગીરી અટકી પડતી હતી અને અરજદારોને બીજા દિવસે ધક્કો ખાવો પડતો હતો. જેના કારણે રાજકોટ મનપા દ્વારા ત્રણેય ઝોનમાં આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં,સસ્પેન્ડ કરાયેલા ઑપરેટરોને પરત નોકરી પર લઈને ફરજ સોંપવામાં આવી હતી.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
