<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ચોટીલાના લાખણકામાં અપહૃત સગીરા અને અપહરણકાર કરનાર યુવાનની લાશ મળીઃ પ્રેમની વેદી પર બલીદાન

વિછીયાના નાના માત્રાની ૧૬ વર્ષની શ્રધ્‍ધા ડેરવાડીયાને બાજુના સાયલા તાબેના કોટડાનો ૨૧ વર્ષનો ચિરાગ ધોરીયા ગુરૂવારે ભગાડી જતાં વિછીયા પોલીસે અપહરણનો ગુનો નોંધ્‍યો હતો :બંનેએ સમાજ એક નહિ થવા દે તેવા ડરથી સજોડે આપઘાત કર્યો કે અન્‍ય કોઇ રીતે મોત થયું? તે અંગે રહસ્‍યઃ મૃતદેહોને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયા

ઘટના સ્‍થળે સગીરા અને યુવાનના નિષ્‍પ્રાણ દેહ (ફોટોઃ હેમલ શાહ-ચોટીલા)

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૩૦:  અીહના લાખણકા ગામની સીમમાં આવેલી રમેશભાઇની વાડીના બે માળના રૂમ પૈકી ઉપરના રૂમમાંથી સાયલાના કોટડા ગામના ૨૧ વર્ષના યુવાન અને વિંછીયાના નાના માત્રા ગામની ૧૬ વર્ષની સગીરાની ભેદી સંજોગોમાં લાશ મળી આવતાં ચકચાર જાગી છે. ગયા ગુરૂવારે જ આ યુવાન વિરૂધ્‍ધ સગીરાના અપહરણ અંગેનો ગુનો વિંછીયા પોલીસમાં સગીરાના પિતાએ દાખલ કરાવ્‍યો હતો. પોલીસ અને પરિવારજનો બંનેની શોધખોળ કરી રહ્યા હતાં ત્‍યારે બંનેની લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બંનેએ રૂમમાં એંગલમાં દોરી બાંધી સજોડે ગળાફાંસો ખાઇ પ્રેમની વેદી પર બલિદાન આપી દીધાની શક્‍યતા પોલીસને જણાઇ આવી છે. જો કે મોત ખરેખર કઇ રીતે થયુ઼? તે અંગે સ્‍પષ્‍ટતા કરવા બંનેના મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયા છે.

સમાજ એક નહિ થવા દે એવો ભય લાગતાં બંનેએ સજોડે આપઘાત કર્યાની શક્‍યતા પર હાલ પોલીસે પ્રાથમિક તપાસ કરી છે. ઘટનાની જાણવા મળેલી માહિતી અનુસાર ચોટીલાના લાખણકા ગામની સીમમાં આવેલી રમેશભાઇ ખોડાણીની વાડીના ઉપરના રૂમમાં યુવાન અને સગીરાના મોત થયાની જાણ થતાં ચોટીલા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે બંનેને ઓળખ મેળવવા તપાસ હાથ ધરતાં ગુરૂવારે વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં યુવકે સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ દાખલ હોઇ તેના આધારે વિંછીયા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહના ફોટા મંગાવી અપહૃત સગીરાના વાલીને બતાવતાં મૃતદેહની ઓળખ થઇ હતી.

મૃતક સગીરાનું નામ શ્રધ્‍ધા જસમતભાઇ કમાભાઇ ડેરવાડીયા (ઉ.વ.૧૬ાા) હોવાનું અને તે વિછીયાના નાના માત્રા ગામની હોવાનું અને તેની સાથેના મૃતક યુવાનનું નામ ચિરાગ લધુભાઇ નરસભાઇ ધોરીયા (ઉ.વ.૨૧) હોવાનું તથા તે નાના માત્રાથી નજીકમાં જ આવેલા સાયલા તાબેના કોટડા ગામનો હોવાનું સ્‍પષ્‍ટ થતાં ચોટીલા પોલીસે બંનેના પરિવારજનોને બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી. ચોટીલા પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ સગીરા અને યુવાને રમેશભાઇની વાડીના બે માળના મકાનમાં ઉપરના માળે આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. દોરી વડે બંનેએ એક સાથે ફાંસો ખાધો કે પછી પહેલા સગીરાનું મોત થયું અને પછી યુવાને આપઘાત કર્યો? તે સહિતની તપાસ થઇ રહી છે.

મૃત્‍યુ પામનાર સગીરા પાંચ ભાઇની એકની એક પાંચમા નંબરની બહેન હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. સગીરાને નાના માત્રાથી નજીકમાં જ આવેલા કોટડા ગામનો ચિરાગ લધુભાઇ ધોરીયા (ઉ.વ.૨૧) ગુરૂવારે ભગાડી ગયો હોઇ આ અંગે તેણીના પિતાએ વિંછીયા પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્‍યાં ગઇકાલે અપૃહત સગીરા અને અપહરણકાર યુવાનની લાશ લાખણકાની વાડીના મકાનમાંથી મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

મૃતક ચિરાગ ચાર ભાઇ અને એક બહેનમાં બીજો તથા કુંવારો હતો. તે પિતા સાથે ખેતી મજૂરી કરતો હતો. બંને વચ્‍ચે પ્રેમ થઇ ગયો હોઇ યુવાને તેણીને ભગાડયા બાદ સમાજ એક નહિ થવા દે તેવુ લાગતાં સજોડે આપઘાત કરી લીધાની શક્‍યતા સેવાઇ રહી છે. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. મોબાઇલના યુગમાં જીવતી આજની જનરેશનમાં સૌથી વિપરીત અસર ગ્રામ્‍ય પંથકના યુવા અને ટીનેજર્સ વર્ગ ઉપર પડી છે. ત્‍યારે અણસમજની ઉમરે આકર્ષણનાં ઓછાયે કહેવાતા  પ્રેમમાં પડી વિચાર્યા વગરના પગલા ભરી લેવાના કિસ્‍સાઓ વધી ગયા છે. આવા કિસ્‍સામાં જે તે સગીરા કે સગીર અથવા યુવાન કે યુવતિઓ તો વિચાર્યા વગર આપઘાત કરી લેતાં હોય છે. પણ પાછળ તેમના પરિવારજનો ઉંડા આઘાતમાં ગરક થઇ જતાં હોય છે અને તેમને ખુબ સહન કરવું પડતું હોય છે.

(10:48 AM IST)