તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
ભરૂચના કલાદરાની મહિલા પર ડાકણનો આરોપ મુકાતા જાથાની ટીમ પહોંચી : ઉપજાવેલી વાતોનો કર્યો પર્દાફાશ

રાજકોટ તા. ૩૦ : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહીલા પર ડાકણ હોવાનો આરોપ મુકવામાં આવતા સત્ય બહાર લાવવા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને હંમેશની જેમ ઉપજાવેલી વાતોનો પર્દાફાશ કર્યો હતો.
કીમ પાસેની દરગાહમાં દર ગુરૂવારે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. જેમાં ૭૦ ટકા હિન્દુ પરિવારો પણ આસ્થા સાથે આવે છે. કલાદરાના પરેશભાઇ આહીર અને ઠાકોરભાઇએ જાથાને એવી માહીતી આપી હતી કે ત્યાં કુટુંબીજન જેલીબેનને સવારી આવતા અમારા પરિવારના જશીબેન પર ડાકણ હોવાનું ખોટુ આળ મુકતા ગામમાં રહેવુ મુશ્કેલી બની ગયુ છે.
તુરંત સ્થિતિ પામી જાતા જાથાના એડવોકેટ જયંત પંડયાએ ગાંધીનગર મુખ્યમંત્રી સહીત ઉચ્ચ અધિકારીઓ અને સુરત રૂરલ જિલ્લા પોલીસ વડાને પત્રથી જાણ કરી હતી.
રાજકોટથી રોમિતભાઇ રાજદેવ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઇ, અંકલેશ ગોહિલ, ભાનુબેન ગોહિલ, ગોપાલભાઇ ભરવાડ સહીતનાની ટીમ સ્થળ પર પહોંચી હતી. પાલોદ પો.ચોકીના પી.એસ.આઇ. આર. એમ. કોટવાલ, એ.એસ.આઇ. મહેશભાઇ બાબુભાઇ, પો.કોન્સ. જગદીશભાઇ ગોવિંદભાઇ, મહિલા કોન્સ. તેજલબેન મીઠારામ સહીતના સ્ટાફની મદદ લઇ આરોપ મુકનાર જેલીબેનની પુછપરછ કરવામાં આવી હતી.
જેમાં જેલીબેને પરિસ્થિતિ જાણી પોતે ખોટુ બોલતા હોવાનું કબુલી લઇ માફીનું કબુલાતનામુ આપી દેતા મામલો અહીં પૂર્ણ જાહેર કરાયો હતો. આમ જાથાએ ૧૨૫૮ મો સફળ પર્દાફાશ કરી જેમની ઉપર ડાકણનો ખોટો આરોપ મુકાયો હતો તે મહીલાને મુશ્કેલીમાંથી બહાર લાવી દીધા હતા. તેમ જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯)ની યાદીમાં જણાવાયુ છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
