News of Saturday, 30th November 2024
ઓખાથી પાકિસ્તાન માહિતી મોકલવાના બદલામાં દિપેશ ગોહેલને ૪ર હજાર મળ્યા'તા
એટીએસના ગુજરાતના અધિકારીઓ, પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓની ટીમ જેના ખાતામાં રૂપિયા જમા થયા તેની પણ પુછપરછ કરશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ :.. ગુજરાત એ.ટી.એસ.ના પો. સ. ઇ. એ. આર. ચૌધરીને ખાનગી બાતમી મળી હતી કે આરંભડા જય અંબે સોસાયટી ઓખા મંડળ તાલુકામાં રહેતો દીપેશ બટૂકભાઇ ગોહેલ નામનો વ્યકિત કેટલાક સમયથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇ. એસ. આઇ. કે આર્મી પાકિસ્તાનના કોઇ અધિકારી કે એજન્ટ સાથે વોટસએપના માધ્યમની સંપર્કમાં છે.
એ. ટી. એસ.ના ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને પો. સ. ઇ. ચૌધરીએ જાણ કરતા જ તેમણે ડીવાયએસપી જી. કે. પરમારના માર્ગદર્શનમાં ખાસ ટૂકડી બનાવી ને દિપેશ ગોહેલને પકડી અમદાવાદ એ. ટી. એસ. માં લઇને આગવી ઢબે પૂછપરછ કરતા અનેક વિગતો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.
દીપેશ ગોહેલ છેલ્લા ત્રણેક વર્ષથી કોસ્ટ ગાર્ડની બોટોનું રીપેરીંગ કરતો હોય સાતેક માસ પહેલા તે ફેસબુક પર સાહિમા નામની એક મહિલાના સંપર્કમાં આવેલો અને તેણે દીપેશને વોટસએપ પર કામ અંગે પુછતા ઓખા પોર્ટ પર ડીફેન્સ તથા કોસ્ટગાર્ડ તેવીની બોટોનું વેલ્ડીંગ, ફર્નીચર તથા ઇલેકટ્રીક કામ કરતો હોવાનું જણાવતા સાહિમાએ જણાવેલ કે ઓખા પોર્ટ પર કોસ્ટગાર્ડની જે શીપ આવે તેના નામ નંબરની માહિતી આપવી તો રોજના ર૦૦ રૂપિયા લેખે દર મહીને તેના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થશે આથી દીપેશ પૈસાની લાલચમાં રોજ કોસ્ટ ગાર્ડ તથા નેવીની બોટોના નામ નંબર આપતો તથા તેના મિત્રોના એકાઉન્ટમાં યુ. પી. આઇ.થી સાત આઠ માસમાં રૂા. ૪ર૦૦૦ જેટલી રકમ પણ આ સાહિમા પાક એજન્ટે જમા કરાવી હતી.
એ. ટી. એસ. ડીવાયએસ.પી. વી. કે. પરમારના માર્ગદર્શનમાં પો. સ. ઇ. એ. આર. ચૌધરી તથા જે. પી. વરમોરા સહિતની ટીમે તપાસ કરીને સાહિમા સાથે દીપેશ દ્વારા થયેલ વોટસએપ ચેટ ચકાયતા વોટસએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટર થવાનું જાણવા મળ્યું હતું.
નેવી તથા કોસ્ટ ગાર્ડની બોટ શીપ - અંગેની ખાનગી માહિતી પાકિસ્તાન જેવા દેશ માટે જાસુસી કરતા એજન્ટ ને મળે તો દેશની સુરક્ષા સલામતી માટે જોખમરૂપ થાય તેમ હોય દીપેશ સાથે ભારતીય દંડ સંહિતાની કલમ ૬૧ તથા કલમ ૧૪૮ મુજબ અમદાવાદ એ. ટી. એસ. ખાતે ગુનો નોંધી દીપેશની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
એ. ટી. એસ. ની ટીમ દ્વારા દીપેશે જે તેના મિત્રોના એકાઉન્ટમાં યુ. પી. આઇ. થી પૈસા જમા કરાવ્યા હતા તેમની પણ ટીમ દ્વારા પુછપરછ તથા તપાસ કરાઇ હતી. તથા આ દીપેશને ઉંડી તપાસ માટે અમદાવાદ રખાયો છે. તથા તેની સાથે બીજા કોઇ પણ આવું કામ કરતા હતા કે કેમ ? તેની પણ તપાસ થઇ છે.
પોલીસનું સઘન કોમ્બીંગ
ખંભાળીયામાં ગઇકાલે સાંજના સમયે ખંભાળીયા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપીતની સુચના તથા માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પો. સ. બી. જે. સરવૈયા તથા સ્ટાફ દ્વારા નગર ગેઇટ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સાથે કોમ્બીંગ યોજી ને પ્લીટમાં નશો કરીને રખડતા કે અસામાજિક તત્વો સાથે સામુહિક રીતે ઝૂંબેશ ચલાવતા લોકોમાં પ્રશંસા સાથે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ હતી.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
