તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
ધોરાજી : ૧૩ વર્ષની સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ રિક્ષાચાલકને ર૦ વર્ષની સજા કોર્ટે ફટકારી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા., ૨ : ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્ષો જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ એ આજ રોજ ઇમરાન સિદ્દીક ભાઈ સુમરા વાળા ને તકસીરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા તથા રૂપિયા ૫૦૦૦ દંડ ફટકાવ્યો હતો.
પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે ભોગ બનનારના પિતા અને આરોપી ઈમરાન અગાઉ સાથે મજૂરી કરતા, ત્યારબાદ ઇમરાન રીક્ષા ચલાવતો હતો, અને ભોગ બનનારને શાળાએ તેડવા મુકવા જતો હતો. ભોગ બનનારની બનાવ સમયે ઉંમર ૧૩ વર્ષ ચાર માસ હતી. આ સમયગાળા દરમિયાન ભોગ બનનારને સાથે લઈ અને ઇમરાન જામનગર ભાગી ગયેલો અને ત્યાં શરીર સંબંધ બાંધેલો હતો.
ભોગ બનનારે પોતાની જુબાનીમાં જણાવેલું હતું કે ઘરેથી ભાગી ગયા બાદ પ્રેમ સંબંધનો આભાસ ઉભો કરવામાં આવેલો હતો. આરોપી ઇમરાનની ઉંમર ૩૧ વર્ષ છે જ્યારે ભોગ બનનાર માત્ર ૧૩ વર્ષના છે. શરૂઆતમાં ઇમરાન પાસે કોઈ રકમ ન હોવાથી તેણે પોતાની રીક્ષા જુનાગઢ મુકામે વહેંચી નાખેલ અને પછી ત્યાંથી રાજકોટ થઈ અને જુદા જુદા ગામ થઈ અમદાવાદ રેલવે સ્ટેશન ત્રણ દિવસ રોકાયેલા અને ત્યાંથી જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બંધ દુકાનના ઓટલા ઉપર રહેતા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે શરીર સંબંધ બાંધેલો હતો. દુષ્કર્મની ઘટના મામલે પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો જેની તપાસ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ. બી. ગોહિલે કરી હતી અને ધોરાજી કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી.
સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી કે ભોગ બનનારની ઉંમર નાની છે માત્ર ૧૩ વર્ષની છે તેમને પ્રેમ એટલે શું તેની પણ પૂરી સમજ ન હોય અને આ સંજોગોને ધ્યાને લેવામાં આવે તો આરોપી ૩૧ વર્ષના હતા તેમણે ભોગ બનનારનો લાભ લેવા જ આભાસી સંબંધ ઉભો કર્યો હોય. તેમને ભોગ બનનારને અપહરણ કરી અને લઈ ગયા છે. અને જામનગર રાખી, દુષ્કર્મ કરેલું છે, ભોગ બનનારને શાળાએ તેડવા મુકવા રિક્ષામાં આ જ વ્યક્તિ જતો તેથી તેમણે એક વિશ્વાસ પણ સંપાદન કર્યો હોય તે વિશ્વાસનો પણ વધ કર્યો છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખએ આજ રોજ ચુકાદો આપી અને ભોગ બનનાર સગીરા પોતાની મરજીથી ઘરમાંથી નીકળેલી હતી તેવું ઠરાવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ ૩૬૬ માંથી આરોપીને શંકાનો લાભ આપેલો છે. જ્યારે ભોગ બનનારની ઉંમર ૧૩ વર્ષની છે અને તેની સાથે શરીર સંબંધ પુરવાર થયો હોય આરોપીને પોક્સો એક્ટ કલમ ૬ તથા ૩૭૬ ૨ એન મુજબ તકસીરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા તથા રૂપિયા ૫૦૦૦ દંડ ફટકાર્યો હતો.
વિશેષ વિગતો પ્રમાણે આરોપી પરિણીત તેમજ ત્રણ બાળકોનો પિતા હોવાનું જાણવા મળ્યું હતું.
કાર્તિકેય પારેખ
સરકારી વકીલ
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
