<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

પોરબંદરમાં કોસ્‍ટલ હાફ મેરેથોનમાં ૧૫૦૦થી વધુ લોકો દોડયાં

૨૧ કિ.મી.ની મેરેથોન, ૧૦ કિ.મી. ફિટનેશ રન, પ કિ.મી.ની ફન રન (ચાલવાનુ) અને સ્‍માર્ટ રન યોજાઇઃ વિજેતાઓને ઇનામો : મેરેથોનના પ્રારંભે ફીટનેશ કેરની વિવિધ કસરતો અને ઝુમ્‍બા ડાન્‍સે આકર્ષણ જમાવ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.રઃ શ્રીરામ સ્‍વીમીંગ કલબ દ્વારા યોજાયેલ કોસ્‍ટલ હાફ મેરેથોન તથા વિવિધ અંતરની દોડ સ્‍પર્ધાઓમાં ૧૫૦૦થી વધુ લોકો જોડાયા હતા. ૨૧ કિ.મી. મેરેથોન, ૧૦ કિ.મી.ની ફિટનેશ રન, પ કિ.મી. ફન રન(ચાલવાનું) અને સ્‍માર્ટ રનમાં વિવિધ વય મુજબ વિજેતાઓને ઇનામો અપાયા હતા.

શ્રીરામ  સી સ્‍વિમીંગ ક્‍લબ દ્વારા તાજેતરમાં કોસ્‍ટલ હાફ મેરેથોનમાં ૧૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં વિજેતાઓને ઈનામ વિતરણ થયું હતું. ૨ કિ.મી. કિડસ રન, ૫ કિ.મી ફન રન (ચાલવાનું), ૫ કિ.મી. સ્‍માર્ટ રન (સ્‍પર્ધાત્‍મક), ૧૦ કિ.મી. ફીટનેશ રન (સ્‍પર્ધાત્‍મક), ૨૧ કિ.મી હાફ મેરાથોન (સ્‍પર્ધાત્‍મક) વિવિધ ઉંમરની કેટેગરીવાઈઝ યોજાઈ હતી. જેના પ્રસ્‍થાન સમયે છાયા સ્‍વામીનારાયણ ગુરૂકુળના શાસ્‍ત્રી સ્‍વામી ભાનુપ્રકાશદાસજી, ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયા, નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ મેરેથોનનો રૂટ ચોપાટી હાથીવાળા ગ્રાઉન્‍ડથી રિલાયન્‍સ ફૂવારો, જુનો ફૂવારો, કમલાબાગ, વીર ભનુની ખાંભીથી બિરલા ઈન્‍દિરાનગરથી ઓડદર થઈને પરત બિરલા, ઈન્‍દીરાનગર વીરભનુની ખાંભીએથી થઈ પેરેડાઈઝ ફૂવારાથી કલેક્‍ટર બંગલોથી કનકાઈ મંદિરવાળા ગેઈટથી ચોપાટી થઈ હાથીવાળા ગ્રાઉન્‍ડના ગેઈટમાં પરતનો ૨૧ કિ.મી.માટેનો રહ્યો હતો. તેમજ ૧૦ કિ.મી. વાળા દોડવીરોએ ઇન્‍દીરાનગરથી પરત ફર્યા હતા અને અને પ કિ.મી.વાળા વીર ભનુની ખાંભીથી પરત ફર્યા હતા તેમજ ર કિ.મી.નો રૂટ હાથીવાળા ગ્રાઉન્‍ડથી કનકાઇ માતાજીના મંદિર થઇ ચોપાટી થઇને હાથીવાળા ગ્રાઉન્‍ડેથી પરત આવ્‍યા હતા.

દોડવીરોની સુવિધા માટે સવારે રીપોટીંગ પૂર્ણ થયા બાદ એકસટ્રીમ ફીટનેશ કેરના કેતનભાઇ કોટીયા અને તેમની ટીમ દ્વારા ઝુમ્‍બા ડાન્‍સ તથા રૂટ ઉપર  દર બે કિ.મી.એ મંડપો સ્‍વયંસેવકો સાથે ગોઠવવામાં આવેલા હતા.

મેરોથોનમાં પાણી, એનર્જી, ડીંકસ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ હતી તેમજ અમુક અંતરે ડી.જે.ની સગવડતાઓ પણ રાખવામાં આવેલી હતી. આ મેરેથોનને સફળ બનાવવા સહયોગ આપનાર ઈન્‍ડીયન નેવી, ઈન્‍ડીયન કોસ્‍ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા, પોરબંદર પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા હોમગાર્ડ કચેરી, રોટરી ક્‍લબ ઓફ પોરબંદર તેમજ મેડીકલ સેવાઓ માટે સિવિલ હોસ્‍પિટલ- પોરબંદર, આરોગ્‍ય વિભાગ-પોરબંદર તથા ૧૦૮ ઈમરજન્‍સી ટીમ તેમજ ડોક્‍ટરોની સેવા પુરી પાડવામાં આવી હતી.

મેરેથોન સ્‍પર્ધાને સફળ બનાવવા રામ સી સ્‍વિમીંગ ક્‍લબના પ્રમુખ મનીષભાઈ માલવીયા, પ્રોજેક્‍ટ ચેરમેન દિનેશભાઈ પરમાર અને ફાઉન્‍ડર હર્ષિતભાઈ રૂઘાણી સહિત ટીમે જહેમત ઉઠાવી હતી.

(11:49 AM IST)